અત્યાર સુધી માં ચાર ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મેળવી ચૂકી છે

અત્યારે અર્બન ગુજરાતી ફિલ્મોનો વાયરો ફૂંકાયો છે. લગભગ દર શુક્રવારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. એવું નથી કે અગાઉ ક્યારેય ઘરેડમાંથી બહાર નીકળીને ગુજરાતી ફિલ્મ બનાવવાનો કોઈએ પ્રયાસ નથી કર્યો. મલ્લિકા સારા ભાઈ અને રાજીવની ફિલ્મ કાશીનો દીકરો ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન હતી. ત્યારે સ્નેહ લતા અને ઉપેન્દ્ર ત્રિવેદીનો જમાનો હતો.

અત્યારે ગુજરાતી ફિલ્મો પાદર પાળિયો અને પાઘડી થી હટ કે નવા માઇલ સ્ટોન સ્થાપિત કરી રહી છે. આગામી સમયમાં ખૂબ જ મનોરંજક ગુજરાતી ફિલ્મો જોવા મળશે તેમાં બે મત નથી. ખાસ કરીને અમુક ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી હતી. ૧૯૯૮ માં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા અને ૧૯૯૯ માં ચોક રે મોતી સપને દીઠા તેમજ ૨૦૧૬માં જન્મ દાતા અને દિકરી વહાલનો દરિયો ને અંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માં સ્થાન મળ્યું હતું.

આ સિવાય ગુજરાતી ફિલ્મ મેરૂ માલણ (૧૯૮૫)ને બોક્સ ઓફિસ પર નોંધપાત્ર બિઝનેસ મળ્યો હતો તેનો વિક્રમ અતૂટ છે. આ ફિલ્મના ગીતોની કેસેટના વેચાણ નો પણ વિક્રમ રચાયો છે. ગુજરાતી ફિલ્મો એક જ પ્રકારની બીમ્બાઢાળ વિષય પર બને છે તે મહેણું હવે ભાંગી ને ભૂક્કો થઈ ગયું છે. કેમકે છેલ્લા ત્રણ વર્ષમાં છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, શરતો લાગુ, ચાલ જીવી લઈએ વિગેરે અર્બન ગુજ્જુ ફિલ્મો એ વાત નું પ્રમાણ છે કે બોલીવુડ ની જેમ ઢોલીવૂડમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં મલ્હાર ઠાકર સિદ્ધાર્થ રાંદેરીયા, અપરા મહેતા જેવા કલાકારો એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. હજુ ગત શુક્રવારે મલ્હાર ઠાકર ની ફિલ્મ સાહેબ રિલીઝ થઈ હતી. જે સફળતા મેળવી રહી છે. જ્યારે સિદ્ધાર્થ રાંદેરીયાની ફિલ્મ ચાલ જીવી લઈએ ૧ લી ફેબ્રુઆરી ના રોજ રિલીઝ થઈ હતી અને હજુ સુધી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. આગામી શુક્રવારે તારીખ ૧૫ મી ફેબ્રુઆરીએ ફિલ્મ લપેટ રિલીઝ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.