કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ અમેરિકન હોવાની શંકા માસિક પગાર ઉપરાંત તગડા કમિશનથી નોકરી કરતા’તા
પોલીસથી બચવા ગ્રામ્ય વિસ્તારમાં પડતર મકાનમાં કોલ સેન્ટર શરૂ કર્યુ: એક સપ્તાહ પૂર્વે પણ માળીયાના મોટી બરારમાં કોલ સેન્ટર પકડાયું’તુ
ઉત્તરપ્રદેશ, બિહાર અને અમદાવાદના ચાર શખ્સોની ધરપકડ: ટેકસનાઉ નામની એપ્લીકેશનની મદદથી કોલીંગ મેસેજથી સંપર્ક કરી લોન અપાવી દેવાની લાલચ દઇ છેતરપિંડી કર્યાની કબુલાત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગેર કાયદે ચાલતા કોલ સેન્ટર પર પોલીસે ધોસ બોલાવવાનું જારી રાખ્યું હોય તેમ છેલ્લા પંદર દિવસમાં ત્રણ કોલ સેન્ટર પર દરોડા પાડયા છે. લોન ઇચ્છુક અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર અને બેન્ક ડેટા સહિતની માહિતી મેળવી લોન અપાવી દેવાની લાલચ દઇ છેતરપિંડી કરતા ચાર શખ્સોને સરધારના હરીપર ગામેથી ચાર શખ્સોને એસઓજીએ ઝડપી લીધા છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને અમદાવાદના ચારેય શખ્સો પગાર ઉપરાંત મોટી રકમનું કમિશન મેળવતા હોવાથી તેનો માસ્ટર માઇન્ડ અમેરિકન હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. કોના બેન્ક એકાઉન્ટમાં ડોલર જમા થતા તે અંગે વિગતો મેળવવા ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાના માર્ગ દર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. સરધારના હરીપર ગામે મનોજ શર્મા અવાવરૂ મકાનમાં કોલ સેન્ટર ચાલતુ હોવાની એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.એસ.આઇ. એમ. એસ.અંસારી, વિજેન્દ્રસિંહ ઝાલા, અજરૂદીન બુખારી સહિતના સ્ટાફે હરીપર ખાતે મનોજ શર્માના મકાન પર દરોડો પાડયો હતો. ઉત્તર પ્રદેશના વતની અને હાલ અમદાવાદ રહેતા મનોજ સત્યરામ શર્મા, મુળ બિહારના વતની અને હાલ અમદાવાદ રહેતા વીકી સંજય સિંગ, અમદાવાદના શાહિલ અરવિંદ ઓડ અને બિહારના અને હાલત અમદાવાદ રહેતા રતન શત્રુધ્ન કરણ નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી બે લેપટોપ, રાઉટર, ચાર મોબાઇલ મળી રૂા.૩૯ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચારેય શખ્સોએ અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર સહિતના ડેટા કોઇ મેળવી અથવા ચોરી કર્યા બાદ એસ કેસ અને સ્પ્રીડ કેસ નામની અમેરિકન લોન કંપનીમાંથી લોન અપાવી દેવાની લાલચ દઇ ઇન્ટરનેટ કોલ કરતા હતા. અમેરિકન નાગરિકોના સોશ્યલ સિક્યુરીટી નંબર મેળવી તેમના ખાતામાંથી રકમ ઉપાડી લઇ અથવા વોલ માર્ટ કે રાઇટ બેડના વાઉચર મેળવી તેના આધારે ખરીદી કરી ઠગાઇ કરતા હોવા હતા.
અમેરિકન નાગરિકના ડેટા મેળવ્યા બાદ મોટા ભાગના લોન ઇચ્છુકનો ક્રેડિટ સ્કોર ઓછો રહેતો હોવાથી વધારવા માટે તેમના ખાતામાં અમુક ડોલર જમા કરાવી દેવાનું કહી તેના ચેકના ફોટા પાડી મોકલી આપતા તેના બદલમાં લોન ઇચ્છુકના બેન્ક એકાઉન્ટની તમામ માહિતી મેળવી તેના પર કંટ્રોલ કરી છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. અમેરિકાની ક્રેડિટ સ્કોર સંભાળતી એજન્સી સાથે બેન્ક એકાઉન્ટ લીંક કરવાની વાત કરી ઓટીપી મેળવી લેતા હતા અન્તેના આધારે તેના બેન્ક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઠગાઇ મારફતે બેન્ક ખાતામાં જમા થયેલી રકમ જુદા જુદા રૂટ દ્વારા ભારતમાં લાવતા હતા. તે કોના બેન્ક એકાઉન્ટમાં જમા થતી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. ચારેય શખ્સો પૈકી રતન નામનો શખ્સો મિકેનિકલ એન્જિનીયર છે અને કોલ સેન્ટરમાં નોકરી કરી ચુકયો છે. ચારેય શખ્સો અંગ્રેજી ભાષાનું સારૂ નોલેજ ધરાવતા હોવાથી સામેની વ્યક્તિને પ્રભાવિત કરતા હતા. કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ ચારેય શખ્સોને માસિક રૂા.૧૨ હજાર પગાર ચુકવતો હતો તેમજ એક ડોલરની સામે ત્રણ રૂપિયા અલગથી કમિશન આપતો હોવાથી ચારેય શખ્સો દરરોજના લાખો રૂપિયા કમાતા હોવાનું તેમજ એક જ દિવસમાં રૂા.૫૭ હજારની ઠગાઇ કર્યાનું કોમ્પ્યુટરની તપાસ દરમિયાન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસથી બચવા માટે ગ્રામ્ય પંથકમાં કોલ સેન્ટર શરૂ કર્યા પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક સપ્તાહ પૂર્વે માળીયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતુ કોલ સેન્ટર પકડાયું હતું.