એક સમયે હથિયારની અછત ધરાવતું ભારત હવે ભાડે હથિયાર આપશે
વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ત્રીજા નંબરની સૌથી મોટી સૈન્ય શક્તિ ધરાવતા ભારતની નવી સંરક્ષણ નીતિની જાહેરાતમાં રાજનાથસિંહે ત્રણેય પાંખના વડાઓની ઉપસ્થિતિમાં જાહેર કરેલી નીતિમાં હવે દેશના સંરક્ષણ ક્ષેત્રના વિકાસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિમાણો અને વિકાસને વેગ મળશે. ભારતના રાજદ્વારી ઈતિહાસમાં વારંવાર સંરક્ષણ સોદાઓમાં ‘કટકી’ના કૌભાંડોની બુમરેગ થતી રહે છે. ભૂતકાળમાં બોફર્સ સોદા હોય કે, રાફેલ વિમાન ડીલ દરેક ડીલમાં વચેટીયાઓના કમિશનની વાતો અને વગોવણી થતી રહી છે ત્યારે આ પરિસ્થિતિને ભૂતકાળ બનાવતી જોગવાઈમાં નવી સંરક્ષણ નીતિમાં હવે શસ્ત્રોની ખરીદીની પ્રક્રિયા લાંબી ખેંચવાને બદલે ત્રણ જ તબક્કામાં પૂરી કરવાની રહેશે અને તેમાં વચેટીયાઓની કોઈ ભૂમિકા નહીં રહે. ભારત સરકાર અન્ય દેશોની સરકાર સાથે સીધો જ સોદો કરી શકશે અને તેનો સમયગાળો પણ ઓછો થઈ જવાથી ‘વચેટીયા’ની ક્યારેય જરૂરીયાત નહીં રહે.
નવી સંરક્ષણ નીતિ ૨૦૨૦ ૧લી ઓકટોબરથી લાગુ પડશે. જેમાં ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને મેઈક ઈન ઈન્ડિયાના ક્ધસેપ્ટ સાથે વધુ વિસ્તૃત કરવામાં આવશે અને ભારત આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદન હબ બનશે તેવો આશાવાદ રાજનાથસિંહે વ્યકત કર્યો હતો.
દેશમાં ૧૫ વર્ષ જૂની આ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિદેશી મુડી રોકાણમાં ૩૦ ટકાની જોગવાઈને ફેરફાર કરાવીને વિદેશી કંપનીઓને ૮ થી ૧૦ ટકા ભાવ વધારવાની છુટ આપી છે. ભારત સરકાર અન્ય દેશની કંપનીઓ સાથે શસ્ત્રનો સીધો જ સોદો કરી શકશે. હાઈ ટેકનોલોજીના ૫૯,૦૦૦ કરોડના રાફેલ સોદામાં ફ્રાન્સની કંપની ડેસોલ્ટ એવીએશનનો કેગ રીપોર્ટ સંસદમાં રજૂ થયો છે. કેગ દ્વારા સંરક્ષણ નીતિમાં કરવામાં આવેલા સુધારાના સુચનો ઉપરથી નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. વિશ્ર્વના સ્પર્ધાત્મક યુગમાં સંરક્ષણ ક્ષેત્રે ભારતનું પ્રભુત્વ વધશે. ૪૯ ટકાના વિદેશી મુડી રોકાણના પ્રમાણમાંથી ૭૪ ટકા કરવામાં આવ્યું છે. જેનાથી વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન એકમોનું નિર્માણ કરવામાં પ્રોત્સાહન મળશે અને તેની સાનુકુળ અસર ઘરેલુ ઉત્પાદન ક્ષેત્ર થશે.
આ નવી નીતિમાં કરવામાં આવેલી મહત્વની જોગવાઈમાં સંરક્ષણની જરૂરીયાતને પહોંચી વળવા પરિવહન વિમાનો, મધ્યમ કક્ષાના રીફલીંગ વિમાનો, હેલીકોપ્ટર અને અન્ય સંરક્ષણ સરંજામની ભાડાની લેવડ-દેવડની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં કાર્યરત કંપનીઓ, તેમના શસ્ત્રો અન્ય દેશોને ભાડે આપી શકશે. એક સમયે હથિયારની અછત ધરાવતા ભારત હવે વિશ્ર્વના અન્ય દેશોને ભાડે હથિયાર આપી શકશે. જે જરૂરી શસ્ત્ર સામગ્રી હશે તેની ખરીદી સરળ બનાવવામાં આવી છે. ઈમરજન્સી હથિયારોની ખરીદી માટે અલગથી ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવામાં આવ્યું છે જે અગાઉ ૩૦૦ કરોડની મર્યાદા ધરાવતું હતું. નવી સંરક્ષણ નીતિને પગલે ભારત હવે રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર અને વિશ્ર્વના અન્ય દેશોને મદદરૂપ થઈ શકશે.
ચેતક અને ચિત્તાની અવગણના ભારતના સંરક્ષણ વિભાગને મોંઘી પડશે?
વિશ્ર્વની ત્રીજા નંબરની શક્તિશાળી સૈન્યની ઓળખ ધરાવતા ભારતીય સૈન્ય માટે વાયુદળ મહત્વની શક્તિ બની રહી છે. ભુતકાળમાં ભારતને જ્યારે જ્યારે શત્રુ દેશો સામે યુદ્ધની ફરજ પડી છે ત્યારે વાયુદળ અને ખાસ કરીને હળવા હેલીકોપ્ટરો અને યુદ્ધ વિમાનો અમોધ શસ્ત્ર તરીકે ઉપયોગમાં આવ્યા છે. ત્યારે સેના માટે અત્યાર સુધી મારક હથિયાર તરીકે ઉપયોગમાં આવતા ચિત્તા અને ચેતક હેલીકોપ્ટરની આવરદા ૨૦૨૩ સુધીમાં પૂરી થઈ જવાની છે ત્યારે તેની અવગણના સંરક્ષણ વિભાગને મોંઘી પડશે તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે. ભારતીય સૈન્યમાં કાર્યરત ચિત્તા અને ચેતકની ટેકનીકલ આવરદા ૨૦૨૩
સુધીમાં પૂરી થવાની છે ત્યારે મેઈક ઈન ઈન્ડિયાના ક્ધસેપ્ટ સાથે આવા જ નાના હેલીકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિલ (એચએએલ) દ્વારા તૈયાર કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે સીંગલ એન્જીન ચિત્તા અને ચેતકને ૪૦ વર્ષ જૂના હથિયાર ગણીને ઓપરેશનમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. સૈન્ય દ્વારા ૧૫ વર્ષથી ચોપરની માંગ કરવામાં આવી રહી છે. ચાઈના પૂર્વ લદ્દાખમાં ઘેરો ઘાલીને બેઠુ છે ત્યારે એવા સંજોગામાં ભારતીય સંરક્ષણ વિભાગ માટે ચેતક અને ચિત્તાની અવગણના મુશ્કેલી સર્જનારી બને તો નવાઈ નહીં. ૨૦૦૫માં ભારતીય વાયુદળમાં ૧૮૭ ચેતક અને ચિત્તાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બન્ને હેલીકોપ્ટરો સીયાચીન વિસ્તારમાં ઉપયોગમાં આવી રહ્યાં છે પરંતુ હવે તેની આવરદાના કારણે થોડો ખર્ચો અને જોખમ વધી ગયું છે. ૪૮૩ નવા હેલીકોપ્ટરો હજુ કાર્યરત છે. ભારત અને રશિયા વચ્ચેની સંધીના ભાગરૂપે આપણે આ હેલીકોપ્ટરો મેળવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેનાથી કામ ચલાવવામાં આવ્યું છે. હવે ભારતીય કંપની એચએએલ, આઈએએફ, આઈઓસી જેવી કંપનીઓ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે તત્પર બની છે. ૨૧૦૦૦ કરોડના સંરક્ષણ ક્ષેત્ર અને ચોપર હેલીકોપ્ટરના ઉત્પાદન માટે ભારતની કંપનીઓ તૈયાર થઈ છે.
૨૧૦૦૦ કરોડના સંરક્ષણ ક્ષેત્ર પર હાવી થવા ભારતીય કંપનીઓ આતુર
કેન્દ્ર સરકાર દ્વારા ભારતને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મક્કમ પગલે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સંરક્ષણ ક્ષેત્રે ભારતીય કંપનીઓનો પ્રવેશ નિશ્ર્ચિત બન્યો છે અને ઘણી સ્વદેશી કંપનીઓ હથિયારો બનાવવા માટે આતુર બની છે. ભારત એક જમાનામાં હથિયારોને લઈને રશિયા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ જેવા દેશો પર નિર્ભર હતું. હવે સંરક્ષણ ક્ષેત્રે ભારત મહદઅંશે સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની પોતાની કંપનીઓ અને ઉદ્યોગ જુથો જેવા કે, ટાટા, અદાણી, મહિન્દ્રા ડિફેન્સ, ભારત ફોર્જ જેવી સ્વદેશી કંપનીઓ હથિયારોના ઉત્પાદન માટે
તત્પર છે અને આગામી દિવસોમાં લઘુ અને મધ્યમ હથિયારોનું ઉત્પાદન શરૂ કરશે અને સરકારે પણ એવી નીતિ બનાવી છે કે, ભારતની આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા હથિયારોની અન્ય જરૂરીયાતમંદ દેશોને નિકાસ અને ભાડાપટ્ટે હથિયારો આપવા ભારતીય કંપનીઓ સાથે વિદેશી કંપનીઓ જેવી કે એરબસ, કેમોવ, લોખીડ, માર્ટીન, સીકોસ્કી જેવી કંપનીઓ સહયોગથી ભારતમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધશે.
ભારતના સંરક્ષણ ક્ષેત્રે વિદેશી મુડી રોકાણની મર્યાદાઓ વધારતા વિકાસ વધુ વિસ્તૃત બનશે
મેઈક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના ક્નસેપ્ટને સંરક્ષણ ક્ષેત્રે પણ વ્યવહારૂ બનાવવા માટે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. તાજેતરમાં જ નવી જાહેર થયેલી સંરક્ષણ નીતિમાં સંરક્ષણ ક્ષેત્રે વિદેશી મુડી રોકાણની મર્યાદા ૪૯ ટકામાંથી વધારી ૭૪ ટકા કરવામાં આવી છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને સરળતાથી મંજૂરી, ખરીદ, વેંચાણ માટે ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આવવા માંગતી વિદેશી કંપનીઓને પોતાના ઉત્પાદન એકમો ભારતમાં ઉભા કરવા માટે અને ઘરેલું કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.