૨૦૧૬ સુધી ફેબ્રુઆરીના અંતિમ કાર્ય દિવસ પર જ કેન્દ્રીય બજેટ પ્રસ્તુત થતુ હતું, ૨૦૧૭માં રેલવે બજેટને પણ કેન્દ્રીય બજેટ સાથે જોડી ૯૨ વર્ષની પરંપરા બદલાઈ હતી
કેન્દ્રીય બજેટ, નાણા મંત્રાલયની સૌથી વ્યાપક રિપોર્ટ જે દરેક ક્ષેત્રને સ્પર્શે છે અને આવનાર ગતિવિધિઓની રૂપરેખા છે. અન્ય મંત્રાલયો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ નાણા મંત્રાલયનાં બજેટ વિભાગ દ્વારા બજેટ તૈયાર કરાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું અતરિમ બજેટ ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ એ સરકાર દ્વારા પ્રસ્તુત કરાશે. આ અતરિમ બજેટ સમયની એક નિશ્ર્ચિત અવધિમાં આવે છે. સામાન્ય રીતે બજેટ માર્ચમાં રજુ થાય છે પરંતુ મેંમા લોકસભાની ચુંટણીને કારણે આ વર્ષે બજેટ વહેલુ આવશે.
૨૦૧૯-૨૦નું બજેટ રજુ થાય તે પહેલા કેન્દ્રીય બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકિકતો વિશે જાણીએ.
– સ્વતંત્ર ભારતનું પહેલું કેન્દ્રીય બજેટ ૨૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ પૂર્વ નાણાપ્રધાન આર.કે.શનમુખમ શેટ્ટી દ્વારા પ્રસ્તુત કરાયું હતું.
– ૧૯૬૪ અને ૧૯૬૮માં ૨૯ ફેબ્રુઆરીએ મોરારજીભાઈ દેસાઈએ પોતાના જન્મદિવસ પર કેન્દ્રીય બજેટ રજુ કરનાર એકમાત્ર નાણાપ્રધાન હતા.
– બજેટની સૌથી વધુ પ્રસ્તુતિ પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈ દ્વારા કરાઈ હતી. તેમણે ૧૦ સંઘ બજેટ પ્રસ્તુત કર્યા.
– મોરારજી દેસાઈના રાજીનામા બાદ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ નાણા ખાતુ સંભાળ્યું હતું તેઓ અત્યાર સુધીના ભારતના એકમાત્ર મહિલા નાણાપ્રધાન હતા.
– નાણામંત્રી પી.ચિદમ્બરમ દ્વારા પ્રસ્તુત કેન્દ્રીય બજેટ ૧૯૯૭-૯૮ને ઘણા આર્થિક સુધારા સાથે ડ્રીમ બજેટ તરીકે પ્રસ્તુત કરાયું હતું.
– વર્ષ ૧૯૯૯ સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના અંતિમ કાર્ય દિવસોમાં સાંજે પાંચ વાગ્યે પ્રસ્તુત કરાતું હતું.
– પૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાએ ૧૯૯૯માં સવારે ૧૧ વાગ્યે બજેટ પ્રસ્તુત કરી સમગ્ર કાર્યપ્રણાલી બદલી નાખી.
– ૨૦૧૬ સુધી ફેબ્રુઆરીના અંતિમ કાર્ય દિવસ પર કેન્દ્રીય બજેટ રજુ કરાતુ હતું.
– નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ પરંપરાને ૨૦૧૭માં બદલી નાખી જયારે ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કર્યું હતું.
– ૨૦૧૬ સુધી કેન્દ્રીય બજેટથી થોડા દિવસ અગાઉ રેલવે બજેટ પ્રસ્તુત કરાયું હતું. ૨૦૧૭માં ૯૨ વર્ષની આ પરંપરા તોડી કેન્દ્રીય બજેટની સાથે સાથે જ રેલ બજેટ પ્રસ્તુત કરાયું હતું.