રૂ. ૩ લાખના રૂ ૮ લાખ ચુકવી દીધા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી: સમાધાન માટે નવાગામ બોલાવી મોરબીના તડીપાર સહિત બે શખ્સોએ ફાયરીંગ કરી ફરાર
રાજકોટમાં દિન-પ્રતિદિન વધતા જતા વ્યાજખોરોના ત્રાસ સામે અનેક યુવાનોએ પોતાની જીંદગી ટુંકાવીછે. ત્યારે નવાગામ પાસે વ્યાજખોરોના આતંકનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા બાબતે બે શખ્સો જાહેરમાં ફાયરીંગ કરી આતંકનો માહોલ ઉભો કરી નાસી છુટયા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવાગામમાં ૫૬ વાર કવાર્ટસ નજીકની શકિત સોસાયટીમાં રહેતો જીજ્ઞેશ વેલજીભાઇ હેરમા નામના યુવકે પાડોશમાં રહેતા અરવિંદ ગઢવી પાસેથી રૂ. ૩ લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ હોય અને અરવિંદ દ્વારા અવાર નવાર પઠાણી ઉઘરાણી થાતી હોવાથી જેના પેટે રૂ.૬ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ ૮ લાખ ચુકવાની ધમકી આપી હતી. જેના ભાગરુપે જીજ્ઞેશના ભાઇ જયને સમાધાન માટે બહાર બોલાવી ત્યાં અરવિંદ ગઢવી અને મોરબીના તડિયાર શખ્સ ભારુ બાવળાએ બોલાચાલી કરી પોતાની પાસે રહેલા હથિયારમાંથી જાહેરમાં ફાયરીંગ કર્યુ હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જાહેરમાં ભડાકા થતાં જ ભયનો માહોલ ઉભો થઇ જતાં પોલીસ દ્વારા તાકીદે તપાસ હાથ ધરી હતી. જેમાં જયના ભાઇ જીજ્ઞેશે અરવિંદભાઇ પાસેથી વ્યાજે રકમ લીધી હોઇ તેવું જાણવા મળ્યું હતું.
આરોપી અરવિંદ દ્વારા અવાર-નવાર વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. જેના ભાગરુપે અરવિંદ અને તેની પત્નીએ જયનો ઘરે જઇ ઝગડો કરીને ધાક ધમકીઓ આપી હતી. ત્યારબાદ સાંજના સમયે આરોપીએ જયને જે થયું તે ભૂલી જાવ એમ કહીને સમાધાન માટે નવાગામ બસ સ્ટેશન પાસે બોલાવ્યો હતો.
વાત થઇ તે મુજબ જય આરોપીને મળવા સમય મુજબ પહોંચી ગયો હતો. ત્યારે જ અલ્ટોકામમાં અરવિંદ અને મોરબીનો તડીપાર શખ્સ ભારુ આવી પહોંચી જય સાથે બોલાચાલી કરીને પોતાની પાસે રહેલા હથિયાર વડે હવામાં ફાયરીંગ કર્યુ હતું. ભડાકા થવાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરા તફડી મચી જવા પામી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઇ બનાવ સ્થળ પર પહોંચી તમામ વિગત માટે જયનો ભાઇ જીજ્ઞેશ આવ્યા બાદ ઘટનાની માહીતી મેળવી આરોપીઓની શોધખોળ માટે ચક્રોગતીમાન હાથ ધર્યા છે.