મકાનમાં ઘુસી ખુરશી અને પાઇપથી માર મારી તોડફોડ કરી: રૂ .૧૫ લાખના રૂ .૬૦ લાખ ચુકવ્યાનો જૂનાગઢના પત્રાપસરના શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરમાં વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી કમ્મર તોડ વ્યાજ વસુલ કરતા વ્યંજકવાદ સામે ઝુંબેશ શરૂ કરી અસરગ્રસ્તોને ન્યાય અપાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ છતાં કેટલાક વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દેતા હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. નિર્મલા રોડ પર રહેતા પટેલ પરિવારના મકાનમાં ઘુસી તોડફોડ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની જૂનાગઢના પત્રાપસરના બે શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિર્મલા રોડ પર આવેલા રઘુકુળ મકાનમાં રહેતા નિશાંતભાઇ ગોકળભાઇ કોરડીયાએ ગત તા.૧૩મીએ બપોરે જુનાગઢ પાસેના પત્રાપસર ગામના બચુ હરજી કોરડીયા, મનસુખ બચુ કોરડીયા અને મુકેશ બચુ કોરડીયા સામે વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી હોવા છતાં એક સંપ કરી ઘરમાં ઘુસી તોડફોડ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે..
નિશાંતભાઇ કોરડીયાએ બચુ કોરડીયા અને મનસુખ કોરડીયા પાસેથી પાંચેક વર્ષ પહેલાં રૂ.૧૫ લાખ માસિક ૪ ટકા વ્યાજના દરે લીધા હતા. રૂ ૧૫ લાખનું દર મહીને રૂ.૬૦ હજાર વ્યાજ ચુકવતા હતા અને તાજેતરમાં જ રૂ.૧૫ લાખ અને વ્યાજ મળી રૂ ૬૦ લાખ ચુકવી દીધા હતા. તેમજ છતાં પાંચેય વ્યાજની વસુલાત કરવા ઉઘરાણી કરવા ધાક ધમકી દેતા હોવાથી ચાર દિવસ પહેલાં પાંચેય સાથે બેઠક યોજી તમામ હિસાબ પુરો કર્યો હતો.
ચાર દિવસ પહેલાં વ્યાજ સહિતની રકમ ચુકવી તમામ પ્રકારનો હિસાબ પુરો થઇ ગયો હોવા છતાં તા.૧૩એ બપોરે જી.જે.૬ડીજી. ૯૧૨૦ નંબરની કાર લઇને પાંચેય ઘરે આવ્યા ત્યારે નિશાંતભાઇ કોરડીયા ઘરે હાજર ન હોવાથી તેઓએ મોબાઇલમાં વાત કરી તાત્કાલીક આવી જવાનું કહેતા નિશાંતભાઇ કોરડીયા પોતાના ઘરે આવ્યા તે દરમિયાન તેમના મકાનના ફળીયામાં જ ઉગ્ર અવાજે ઝઘડો કરી પ્લાસ્ટીકની ખુરશી અને સાઇકલમાં હવા ભરવાના પંપથી હુમલો કરતા નિશાંતભાઇ કોરડીયા, મયુરભાઇ ઝાલાવડીયા, દિવ્ય કોરડીયા અને જ્યોત્સનાબેન કોરડીયા ઘવાયા હતા.
નિશાંતભાઇ કોરડીયા અને મયુરભાઇ ઝાલાવડીયાએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. જેબલીયા અને રાઇટર દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.