કેન્દ્ર સરકારે ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ કામધેનુ આયોગને આપ્યું
ભારત દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતીની જે ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય તે દિશામાં પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ખેતી માટે સૌથી જરૂરી ચીજ-વસ્તુઓ હોય તો તે છે ગાય ત્યારે ગાયનાં સંવર્ધન માટે સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જે કોઈ લોકોને ગૌ પાલનમાં રસ હોય તો સરકાર ૬૦ ટકાની સહાયતા આપવા તત્પરતા દાખવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવેલા કામધેનુ આયોગને પ્રથમ તબકકામાં ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ પણ આપવામાં આવ્યું છે.
આ તકે રાષ્ટ્રીય અધ્યક્ષ કામધેનુ આયોગનાં વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, જે કોઈ ગૌપાલનમાં રસ ધરાવતા હોય તેના માટે આ સુવર્ણ તક છે. કારણકે તે ઉધોગનાં રોકાણમાં ૬૦ ટકાનો હિસ્સો સરકાર ભોગવશે અને ઉધોગને શરૂ કરવામાં મદદરૂપ સાબિત થશે. ગૌપાલનમાં ગાયથી ઉદભવિત થતાં ડેરી પ્રોડકટ ઉપરાંત ગોબર અને ગૌમુત્ર જેવા ગાયના પેટા-ઉત્પાદનો પર વ્યવસાયિકરણ કરવા પર કેન્દ્રીય સ્ટાર્ટઅપ ચાલુ કરવાનો નિર્ધાર કર્યો છે જેમાં સરકારના ભંડોળ તરીકે તેમના પ્રારંભિક રોકાણના ૬૦% જેટલા રોકાણની સહાય મળી શકશે. ગાય બોર્ડનાં અધ્યક્ષ વલ્લભભાઈ કથીરિયાએ વધુમાં જણાવયું હતું કે, અમે યુવાઓને ગાય આધારિત ઉદ્યોગસાહસિકતા માટે માત્ર દૂધ અને ઘી જેવા ઉત્પાદનોથી જ નહીં, પણ ગૌમુત્ર અને ગાયનાં છાણ જેવા પેટા ઉત્પાદનોને પણ કૃષિ હેતુ માટે વપારી શકશું અને તેને પ્રોત્સાહિત પણ કરી શકશું
વલ્લભ કથીરિયાએ ગાય આધારીત વ્યવસાયનાં મોડેલ તરફ ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છુક યુવાનોને આકર્ષવા માટે વ્યૂહરચના બનાવવા માટે ગાંધીનગર સ્થિત ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણવિદોને મળ્યા હતા અને વાતચીત કરી છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં ૫૦૦ કરોડના પ્રારંભિક કોર્પસ સાથે સ્થાપવામાં આવેલ કામધેનુ આયોગ આ નવા ઉદ્યોગો માટે ગ્રોથ એન્જિન બનવાનું લક્ષ્ય ધરાવે છે. કથીરિયાએ કહ્યું હતું કે ગૌમૂત્ર અને છાણનું વ્યાપારીકરણ લોકોને દૂધ આપવાનું બંધ કરી ગયેલી ગાયને ન છોડવા માટે પ્રોત્સાહિત કરશે. ગાયના પેટા ઉત્પાદનોના મહત્વપૂર્ણ મૂલ્ય પર સંશોધનને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. બોર્ડ વિદ્વાનો અને સંશોધનકારોને આ પેટા ઉત્પાદનો પર તેમનું સંશોધન પ્રસ્તુત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. અમે પહેલેથી ચાલતા લોકો માટે તાલીમ કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ શિબિર પણ યોજીશું. ગૌશાળાઓનો પણ ઉમેરો કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. બોર્ડ અધ્યક્ષ દ્વારા અગાઉ ગાય પર્યટન સર્કિટને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ માર્ગ એવા ક્ષેત્રોમાંથી પસાર થશે જ્યાં સ્વદેશી ગાયની સંવર્ધન થાય છે. અમે આ સર્કિટ માટે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ગોવા જેવા રાજ્યોની ઓળખ કરી છે.