પુત્રએ વ્યાજે લીધેલા પૈસાની પિતા પાસે માંગણી કરી મકાન લખી આપવા ધમકી આપી

માથાભારે યુવરાજ માંજરીયા આણી ટોળકી સામે અંતે ભકિતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

વ્યાજખોરોના દુષણને ડામવા પોલીસ તંત્ર દ્વારા લોક દરબાર યોજી બેફામ બનેલા વ્યાજખોર માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે બીજીબાજુ પોલીસની કામગીરીને ઘોળીને પી જતા વ્યાજખોર માફીયાઓ બેફામ બની રહ્યા છે. જેમાં પુત્રએ વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરવા વયોવૃધ્ધ નિવૃત શિક્ષક પિતાના ઘરે પહોચેલા માફીયાઓએ આતંક મચાવી પૈસાની કડક ઉઘરાણી કરી તોડફોડ કર્યાની નામચીન શખ્સ સહિત સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના સહકાર સોસાયટી મેઈન રોડ ગુલાબનગરમાં રહેતા નિવૃત શિક્ષક ભનુભાઈ નાનજીભાઈ સરવૈયા ઉ.73એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે માથાભારે યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા, જયેશ ઉર્ફે જયદીપ દેવડા તેનોભાઈ અને ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી વૃધ્ધના પુત્ર હિતેન્દ્ર જે છેલ્લા દશ વર્ષથી અલગ રહે છે.અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. જેને આરોપી યુવરાજ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની ભરપાઈ કરી શકયો નહોતો.

પુત્રએ લીધેલા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવા યુવરાજ આણી ટોળકીએ તેના પિતાને ધમકી આપવાની શરૂઆત કરી હતી. ગત તા. 17/6/21ના જયદીપ દેવડા અને તેનો ભાઈ એકસેસ પર નિવૃત શિક્ષકના ઘરે આવી તમારા પુત્ર હિતેન્દ્ર પાસે યુવરાજ પૈસા માંગે છે. તેમ કહી યુવરાજ સાથે ફોનમાં વાત કરાવી હતી અને પૈસા નહી આપો તો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં જણાવ્યું હતુ કે યુવરાજે બે ખૂન કર્યા છે. મને ફાયરીંગ કરીને મારી નાખતા વાર નહી લાગે તેવી યુવરાજે ફોન પર ધમકી આપી પૈસા નહી આપો તો મકાન લખી આપવું પડશે. તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ તા. 4/7/21ના રોજ ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરે આવી નિવૃત શિક્ષક અને તેમની પત્નીને ઘરની બહાર નીકળવા ધમકી આપી ડેલીમાં ધોકા-પાઈક ફટકારી આતંક મચાવ્યો હતો. અને ઘર પાસે પડેલી કાર એકટીવા અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી જે બનાવ અંગે પોલીસમાં રજૂઆત કરતા પોલીસે માત્ર અરજી લીધી હતી. બાદમાં આજે આ બનાવ અંગે યુવરાજ માંજરીયા આણી ટોળકી સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.