- રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ થતાં મોદી મુંબઈમાં
- રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં 3 એપ્રિલથી એમપીસીની બેઠક : 5 એપ્રિલે વ્યાજ દર અંગે જાહેરાત કરવામાં આવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ અઠવાડિયે રજૂ કરવામાં આવેલી નાણાકીય નીતિ સમીક્ષામાં ફરી એકવાર પોલિસી રેટ યથાવત રાખી શકે છે. આનું કારણ એ હોઈ શકે છે કે આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા દૂર થઈ ગઈ છે અને તે આઠ ટકાની આસપાસ છે. ફુગાવો હાલ અંકુશમાં છે ઉપરાંત સેન્ટ્રલ બેન્ક હવે ફુગાવાને ચાર ટકાના લક્ષ્યાંક પર લાવવા પર વધુ ભાર મૂકી શકે છે. તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ઉપરાંત, આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી), જે પોલિસી રેટ પર નિર્ણય લે છે, તે અમેરિકા અને બ્રિટન જેવા કેટલાક વિકસિત દેશોની કેન્દ્રીય બેંકોના વલણને ધ્યાનમાં લઈ શકે છે. આ સેન્ટ્રલ બેંકો નીતિગત દરમાં ઘટાડા અંગે સ્પષ્ટપણે ‘ રાહ જુઓ’ અભિગમ અપનાવી રહી છે. પોલિસી રેટમાં ઘટાડો કરનાર વિકસિત દેશોમાં સ્વિત્ઝર્લેન્ડ પ્રથમ મોટી અર્થવ્યવસ્થા છે. તે જ સમયે, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાને આઠ વર્ષ પછી નકારાત્મક વ્યાજ દરોની સ્થિતિનો અંત લાવ્યો છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં એમપીસીની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલથી શરૂ થશે. નાણાકીય નીતિની સમીક્ષા 5 એપ્રિલે જાહેર કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25 માટે આ પ્રથમ નાણાકીય નીતિ સમીક્ષા હશે. એમપીસીની છઠ્ઠી બેઠક 1 એપ્રિલ, 2024 થી શરૂ થતા નાણાકીય વર્ષમાં યોજાશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કર્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે પણ ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1934 હેઠળ કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. હકીકતમાં તે સેન્ટ્રલ બેંકિંગ સિસ્ટમ છે. તેની નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પ્રાદેશિક કચેરીઓ છે.
હાલના દિવસોમાં વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ સતત જાહેર સભાઓ પણ કરી રહ્યા છે અને લોકોને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કામ વિશે જણાવી રહ્યા છે. રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થવાની ઉજવણી પ્રસંગે મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા પીએમ મોદી પણ આવ્યા હતા.
છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો
આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. તે પછી, સતત છ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાઓમાં તેને યથાવત રાખવામાં આવ્યો છે.બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે ફુગાવો હજુ પણ પાંચ ટકાની રેન્જમાં છે અને ભવિષ્યમાં ખાદ્ય ફુગાવાના મોરચે આંચકો આવવાની સંભાવના છે, આને ધ્યાનમાં રાખીને એમપીસી પોલિસી રેટ પર યથાસ્થિતિ જાળવી શકે છે.
શેરબજાર ટનાટન : સેન્સેક્સ અને નિફટી ઓલ ટાઇમ હાઈ
વ્યાજદર યથાવત રહેવાના સંકેતોને પગલે શેરબજારે આજે જોરદાર શરૂઆત કરી છે અને નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. શેરબજાર ખુલતાની સાથે જ 74,101ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર ખુલ્યાની 20 મિનિટની અંદર સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે.
બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. એનએસઇનો નિફ્ટી 22,529.95 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ અને બીએસઇનો સેન્સેક્સ 74,254.62 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ-ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય બજારની આજની શરૂઆત 317.27 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઉછાળા સાથે 73,968 ના સ્તર પર થઈ છે અને એનએસઇ નિફ્ટી 128.10 પોઈન્ટ અથવા 0.57 ટકાના ઉછાળા સાથે 22,455 ના સ્તર પર ખુલી છે.
બીએસઇ સેન્સેક્સ આજે 74,208ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં 557 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 28 શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં જેએસડબ્લ્યુ સ્ટીલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.70 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. કોટક બેન્ક 1.55 ટકા અને એચડીએફસી બેન્ક 1.25 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 1.15 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.11 ટકા ઉપર છે.