૧૦ લાખ વિદ્યાર્થીઓને વગર વ્યાજે લોન આપવા સરકાર ૨૨૦૦ કરોડનું ભંડોળ ફાળવશે: કેન્દ્રમંત્રી પ્રકાશ જાવડેકર
તાજેતરમાં રાજસ્થાનના આમેર ખાતે યોજાયેલા હાયર એજયુકેશન હયુમન રીસોર્સીસના બે દિવસીય કોન્કલેવમાં શિક્ષાવિદોને સંબોધીત કરતા માનવ વિકાસ સંશાધનના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, શિક્ષણ સુદ્રઢ બનશે તો દેશનું ભવિષ્ય પણ સુદ્રઢ થશે.
આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી હતી કે, ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાના હેતુસર ૧૦ લાખ વિદ્યાર્થીઓને વગર વ્યાજે વધુ શિક્ષણ લોન ફાળવાશે અને આ માટે બજેટમાં ૮૦૦ કરોડની ફાળવણીમાં વધારો કરી દર વર્ષે ૨૨૦૦ કરોડનું ભંડોળ ફાળવાશે.
મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, દેશના બાળકોને વધુ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટીબઘ્ધ છે અને આ દિશામાં સરકાર કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૪માં વ્યાજમુકત શૈક્ષણિક લોન માટે બજેટમાં ૮૦૦ કરોડ રૂપીયા ફાળવાતા હતા જેનો લાભ પાંચ લાખ વિદ્યાર્થીઓને મળતો હતો પરંતુ હવે બજેટમાં ૨૨૦૦ કરોડ રૂપીયા દર વર્ષે ફાળવાશે અને ૧૦ લાખ વિદ્યાર્થીઓ સુધી આનો લાભ પહોંચાડાશે.
મંત્રી જાવડેકરે રાજસ્થાનના ભામાશાહોની પ્રશંસા કરતા કહ્યું કે, અન્નદાન અને શિક્ષાદાનને સોંપી મહત્વપૂર્ણ મનાય છે અને આ બંને દાનમાં જેનો ફાળો રહ્યો છે એ જ સાચા ભામાશાહ છે. દેશમાં શિક્ષણનું સ્તર વધુ ઉંચુ લાવવા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનના માધ્યમથી પ્રથમ અને દ્વિતીય ચરણમાં ૪-૪ હજાર કરોડ રૂપીયા ફાળવાશે જયારે ત્રીજા ચરણમાં વધુ ભંડોળ સાથે બજેટ ફાળવાશે.