ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૦થી વધુ એટીએમ બદલી રૂ. ૯.૨૬ લાખની છેતરપિંડી કર્યાની કબુલાત: ૨૦ એટીએમ કાર્ડ, કાર અને રોકડ મળી રૂ.૬.૧૭ લાખનો મુદામાલ કબ્જ
શહેરના કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેથી સુરતના શખ્સને ૨૦ જેટલા એટીએમ કાર્ડ સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા તેને ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલી અત્યાર સુધીમાં રૂ.૯.૨૬ લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના નક્ષત ટાઉનશીપમાં રહેતા ધીરજકુમાર મોહનલાલ પંચાલ નામના શખ્સને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ, કુલદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અમિનભાઇ ભલુર અને હિરેન્દ્રસહિ પરમાર સહિતના સ્ટાફે ધીરજ પંચાલને કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેથી ઝડપી લીધો હતો.
ધીરજ પંચાલ પાસેથી સ્વીફટ કાર અને ૨૦ જેટલા જુદી જુદી બેન્કના એટીમ મળી આવતા કબ્જે કરી પૂછપરછ કરતા તેને પાલનપુર, સુરત આમરોલી, સુરત સરથાણા, અમદાવાદ સરદારનગર, સુરત કતાર ગામ, મહારાષ્ટ્રના અહેમદનગર, મહારાષ્ટ્રના જાલ શહેરમાં, સુરત સચિન જીઆઇડીસી, સુરત મીનીબજાર, પાલનપુર, ખેડા, મોરબી સહિતના શહેરોમાં એટીએમથી પૈસા ઉપાડવા આવતી વ્યક્તિને મદદ કરવાના બહાને નજર ચુકવી એટીમ બદલી મોટી રકમ ઉપાડી લીધાની કબુલાત આપી છે. અત્યાર સુધીમાં રૂ.૯.૨૬ લાખની છેતરપિંડી કર્યાની તેમજ અગાઉ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એટીએમ બદલી છેતરપિંડી કર્યાના ગુનામાં ઝડપાયાની કબુલાત આપી છે.