મોરબી વાંકાનેર,ચોટીલા સહીત સૌરાષ્ટ્રમાં કુલ છ જગ્યાએથી કોપર વાયર ચોરી,લુંટના ગુનોઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગુર્જર ગેંગનો પર્દાફાશ કરી ગુર્જર ગેંગના પાંચ સભ્યોને દબોચી લેવામાં આવ્યા છે. જયારે હજુ આ ગુર્જર ગેંગના સાત સભ્યો પોલીસ પકડથી દૂર છે તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. આમ મોરબી જીલ્લા પોલીસે કોપર વાયરનો જથ્થો તેમજ ચોરી લૂંટના ઉપયોગમાં લેવાયેલ વાહન તથા પાના-પક્કડ, કટ્ટર સહિતના કુલ રૂ. 10,13,200/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.
વાંકાનેર, ચોટીલા, મુળી, લખતર, પાણશીણા અને બગોદરા સહિતના પાણી પુરવઠાના સ્ટેશનમાંથી વીજ વાયરની ચોરી કર્યાની પાંચ શખ્સોની કબુલાત
મોરબી એલ.સી.બી. એસ.ઓ.જી. ની ટીમે રૂ. 10.13 લાખનો મુદામાલ કબ્જે કર્યો
સમગ્ર કેસની ટૂંક વિગત મુજબ વાંકાનેર લીંબાળાધાર ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પમ્પીંગ સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ધરાવતા મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ જાહેર કરી કે ઉપરોક્ત જગ્યાએ પમ્પીંગ સ્ટેશનમાં પોતાનો કોન્ટ્રાકટ ચાલતો હોય ત્યારે ગઇ તા. 07 ડિસેમ્બર 2023 ના રાત્રીના સમયે ઇલેકટ્રીક લાઇનનું ચાલુ ટ્રાન્સફોર્મર તથા વધારાનું ટ્રાન્સફોર્મર એમ બન્ને ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયર આશરે 800 કિલો જેની કિ.રૂ. 4,80,000/-ની ચોરી અજાણ્યા ચોર ઇસમો કરી લઇ ગયેલ અંગેની ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ચોરીના બનાવ જેવો જ બનાવ બનવા પામ્યો હતો જેમાં તા.10 ડિસેમ્બર 2023ના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ ચાણપા ગામના પાટીયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે પણ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી.
આ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી લીંબડી અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ રામભરોસે હોટલની બાજુમાં ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાની હકીકત મળેલ હતી. જેના આધારે ઉપરોક્ત સ્થળ ખાતે તપાસ કરતા ચોરીના ગુનાને અંજામ આપનાર ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર ઉવ.25, હાલ રહે. લીંબડી ભંગારના ડેલામાં મુળ રહે. સરેડી ગામ, રાજસ્થાન, પ્રભુલાલ ઇશ્વરલાલ ગુર્જર ઉવ. 23 રહે. હાલ લીંબડી ભંગારના ડેલામાં. મૂળ રહે.સંજાડી કા બાડીયા રાજસ્થાન, દિપકભાઇ રેખારામ ગુર્જર ઉવ.21 રહે.હાલ રહે.શામળાજી,તા.ભીલોડા જી.અરવલ્લી મુળ જાંખરા (રાજસ્થાન), રતનલાલ સરવણલાલ ગુર્જર ઉવ. 21 રહે. હાલ લીંબડી-ભંગારના ડેલામાં મુળ ગામ જસવંતપૂરા (રાજસ્થાન), લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત ઉવ. 28 રહે. હાલ અમદાવાદ, સનાથલ સર્કલ, ભંગારના ડેલામાં મુળ ગામ સબલપુરા(રાજસ્થાન)ની અટક કરી, ચોરી કરવા તથા ચોરી કરેલ મુદામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન તથા કોપર વાયરનો જથ્થો મળી કુલ રૂ.10,13,200/- મુદામાલ કબ્જે કર્યો હતો.
પાંચ આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા ઉપરોકત વાંકાનેરના લીંબાળાધાર પાસે ચોરીના નોંધાયેલ ગુનો તથા તે સિવાય સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા, મુળી, પાણસીણા તથા અમદાવાદ ગ્રામ્યના બગોદરા પો.સ્ટે. ખાતે આ પ્રકારના ગુના આચરેલ તેમજ લખતરના ગાંગડ નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બંધક બનાવી ઢીકા પાટુનો માર મારી લુંટ ચલાવેલની કબુલાત આપતા ઉપરોકત જણાવેલ તમામ પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરવામાં આવી હતી. ત્યારે ગુર્જર ગેંગના પાંચ સભ્યોની અટક કરી ગેંગના અન્ય સાત સભ્યો રાજુ ગુર્જર રહે.નાબરીયા રાજસ્થાન, ધર્મેશ બાબુલાલ ગુર્જર રહે.આંકીયા રાજસ્થાન, સુખદેવ ગુર્જર રહે.ક્વાસ્કાગુડા રાજસ્થાન, ગોરધનનાથ સુગનનાથ યોગી રહે.જીતી રાજસ્થાન, સુરેશ ગુર્જર રહે.બુરવાડા રાજસ્થાન, ડાલુ હાલુ ગુર્જર રહે બબાના રાજસ્થાન, પ્રકાશ પન્નાલાલ સાલ્વી રહે. કુવાસ્કા ગુડાપોકુંડાવા રાજસ્થાનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલ ગુર્જર ગેંગ દિવસ દરમ્યાન હાઇવે રોડ નજીકમાં આવેલ પાણી પુરવઠાના પંપીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, જી.ઈ.બી.ના ખુલ્લા વંડામાં રાખેલ ટ્રાન્સફાર્મરની રેકી કરી મોડી રાત્રીના સમયે સંપૂર્ણ તૈયારી સાથે વાહનોમાં સાત થી આઠ જેટલા ગેંગના સભ્યો સાથે આવી ટ્રાન્સફાર્મર તોડી તેમાથી કોપર તથા એલ્યુમીનીયમના વાયર ચોરી કરવાની ટેવ વાળા છે. તેમજ કોઇ ચોકીદાર કે સિક્યુરીટી ગાર્ડના એકલ દોકલ માણસો હોય તો તેને માર મારી બંધક બનાવી ચોરી તથા લુંટ,કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.