નાઈજીરિયન નાગરિક એવા આરોપીએ દિલ્હીના ઘરમાં ૬૫૦ ગ્રામ હેરોઈન છૂપાવ્યું હતું : હેરાફેરીમાં જામનગરના ઈશા રાવની મુખ્ય ભૂમિકા
પંદર જ દિવસમાં રૂ.૭૩૦ કરોડનું હેરોઈન પકડી ચૂકેલી ગુજરાત એટીએસની ટીમે હવે દિલ્હીમાં દરોડો પાડી ૩.૨૫ કરોડ રૂપિયાનું હેરોઈન કબજે કર્યું છે. નાઈજીરિયન નાગરિક એવા આરોપીએ તેના ઘરમાં ૬૫૦ ગ્રામ હેરોઈન છૂપાવી રાખ્યું હતું તે પકડાયું છે.
બીજી તરફ, મધદરિયે હેરોઈનની ડિલીવરી લઈને ટ્રાન્ઝીટ પોઈન્ટ એવા ગુજરાતથી દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં પહોંચતું કરવાના નેટવર્કમાં જામનગરના ઈશા રાવ નામના શખ્સની ભૂમિકા નોંધપાત્ર હોવાની ચોંકાવનારી વિગતો વચ્ચે એટીએસએ આંતરરાજ્ય તપાસ વેગવાન બનાવી છે.
એટીએસની ટીમે તા. ૧૫ નવેમ્બરે મોરબીના ઝીંઝુડા ગામે દરોડો પાડીને ૬૦૦ કરોડની કિંમતના ૧૨૦ કિલો હેરોઈન સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. આ પછી તપાસ કરી વધુ આરોપી ઝડપાતાં પૂછપરછમાં મહારાષ્ટ્ર, રાજસૃથાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી.
એટીએસએ અત્યાર સુધીમાં ૭૩૦ કરોડથી વધુની કિંમતનું હેરોઈન કબજે કરી ૧૩ આરોપીની ધરપકડ કરી છે. હેરોઈનના આ કેસમાં પકડાયેલા માઈકલ યુગોચુકવુના રિમાન્ડ દરમિયાન દિલ્હી ખાતે તેના રહેણાંક મકાનમાં હેરોઈન છૂપાવેલું હોવાની વિગતો ખુલી હતી.
એટીએસની ટીમે દિલ્હીના નિલોઠી ખાતે માઈકલના રહેણાંક મકાનમાં દરોડો પાડી તા. ૨૭ ના રોજ વધુ ૬૫૦ ગ્રામ હેરોઈન કબજે કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ૩.૨૫ કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન પકડાતાં આંતરરાજ્ય તપાસમાં વધુ એક સફળતા મળી છે.
માઈકલે કેફીયત આપી છે કે, હેરોઈન ખરીદવા માટે ઈશા રાવ અને તેની ગેંગના માણસોને તે આંગડિયા દ્વારા રૂપિયા મોકલાવતો હતો. હેરોઈન કેસમાં પકડાયેલા પુનેના સર્જેરાવ કેશવરાવ ગરડ ગુજરાતમાં જામનગર પાસેના રહીશ ઈશા રાવ અને સાગરિતો મારફતે આવતા હેરોઈનની ડીલીવરી કરતો હતો.
હેરોઈનની ડીલીવરી લઈને બસ અને ટ્રેનમાં દિલ્હી ખાતે માઈકલને ડીલીવરી આપતો હતો. જેના પૈસા માઈકલ આંગડિયા મારફતે ઈશા રાવ અને તેના સાગરિતોને મોકલતો હતો. જામનગરના સચાણા ગામનો જાબીયર ઉર્ફે જાવીદ કાસમ સોઢા ઈશા રાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરિયામાં જઈને હેરોઈનની ડીલીવરી મેળવતો હતો.
હેરોઈનના સચાણા ગામે લાવીને જાવીદ પોતાના કબજામાં સંતાડીને રાખતો હતો. આ પછી ઈશા રાવ કહે ત્યાં અને ત્યારે તેના સાગરિતોને હેરોઈન પહોંચતું કરતો હતો. ગુજરાતથી દેશના ત્રણ રાજ્યો સાથે સંકળાયેલા હેરોઈન કાંડમાં ઈશા રાવ મુખ્ય ભૂમિકામાં હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી રહી છે. ઈશા રાવ કટ-ઓફ સિસ્ટમથી કામ કરતો હતો.
દરિયામાં હેરોઈનની ડિલીવરી લેવા માટે જાવીદને કામ સોંપ્યું હતું. આ પછી જાવીદે ઈશા કહે તેને હેરોઈન પહોંચાડવાનું રહેતું હતું. બીજા રાજ્યમાં બીજી ચેઈન ચાલુ થાય તેના થકી હેરોઈનનો જથ્તો દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ પહાચતો હતો. ગુજરાત એટીએસ હેરોઈન નેટવર્કની આખી ચેઈન તોડવા કાર્યરત છે.