- ભાવનગરના વેપારી સાથે રૂા.2.15 કરોડની છેતરપિંડી કરી કર્યાની કબુલાત
- રૂા.1.32 કરોડ રોકડા, કાર, મોબાઇલ અને સોના જેવી ધાતુના નકલી બિસ્કીટ મળી રૂા.1.39 લાખનો મુદામાલ કબ્જે
- મોરબી, ભચાઉ, અમરેલી અને સુરેન્દ્રનગરના ચાર શખ્સોની ધરપકડ: બેની શોધખોળ
સસ્તામાં સોનું આપવાની લોભામણી લાલચ દઇ ભાવનગરના વેપારી સાથે રૂા.2.15 કરોડની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આંતર જિલ્લા ઠગ ગેંગના ચાર શખ્સોને ઝડપી લેવામાં ગાંધીધામ એલસીબીને મહત્વની સફળતા મળી છે. પોલીસે ચારેય શખ્સો પાસેથી રૂા.1.32 કરોડની રોકડ, કાર, સોના જેવી ધાતુના નકલી બિસ્કીટ અને મોબાઇલ મળી રૂા.1.39 લાખનો મુદામાલ કબ્જે કરી તેની સાથે સંડોવાયેલા અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના નવી માણેકવાડી ખોડીયાર સોસાયટીમાં રહેતા ઇમરાન મહંમદહુસેન ધોળીયા નામના વેપારીને અમરેલી માણેકપર ભગવતી ચોકના અર્જુન પ્રદિપ પટેલ નામના શખ્સના રાજકોટના દુધ સાગર રોડ પર રહેતા ફિરોજના પરિચતી દ્વારા એક બીજાની ઓળખાણ થાય બાદ પોતાની પાસે સોનાના બિસ્કીટ હોવાનું સસ્તામાં આપવાની લોભામણી લાલચ દેતા ઇમરાન મહંમદહુસેન ધોળીયાએ સસ્તામાં સોનાનું બિસ્કીટ ખરીદ કરવાની તૈયારી બતાવતા તેઓને માળીયા ખાતે બોલાવી પ્રથમ એક બિસ્કીટ રૂા.5 લાખમાં આપ્યુ હતું. તે ખરેખર સોનાનું હોવાથી તેમની લોભામણી લાલચમાં ફસાવ્યો હતો.
અર્જુન પટેલે પોતાની પાસે પાંચ કિલો સોનાના બિસ્કીટ છે અને સસ્તા ભાવે વેચવાનું જણાવતા ઇમરાનભાઇ ધોળીયા સસ્તામાં સોનું ખરીદ કરવા તૈયાર થતા તેઓને રૂા.2.15 કરોડ રોકડા લઇને ગાંધીધામ બોલાવ્યા હતા.
ગત તા. 26મીએ ઇમરાનભાઇ ગાંધીધામ રૂા.2.15 કરોડ રોકડા લઇને ગયા હતા તેઓને ગાંધીધામના માંધવ ચેમ્બરમાં અબ્દુલ મામદ લંઘાની ઓફિસે બોલાવ્યા હતા ત્યાં ઇમરાનભાઇ ગયા બાદ ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક ખાનગી કપડામાં પોલીસના સ્વાંગમાં બે શખ્સો ઘસી આવ્યા હતા અને પોતે પોલીસ હોવાનું કહી આટલી રોકડ કયાંથી લાવ્યા તેમ કહી રોકડ સાથેનો થેલો લઇ પોલીસ મથકે આવવાનું કહ્યું હતું.
પોલીસ મથકે ઇમરાનભાઇ ગયા ત્યાં કોઇ પોલીસ સ્ટાફ આટલી મોટી રકમ લઇને આવ્યું ન હોવાનું જણાતા પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રૂા.2.15 કરોડની ઠગાઇના ગુનામાં ભચાઉના હિમતપુરના અબ્દુલ મામદ લંઘા, ટંકારાના અમરાપરના ઇસ્માઇલ દાઉદ લંઘા, અમરેલીના માણેકપરાના અર્જુન પ્રદિપ સોજીત્રા અને ગારીયાધારના રમેશ દુદા રેવર નામના શખ્સોની સંડોવણી બહાર આવતા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, એલસીબી પીઆઇ એમ.એન.રાણા અને પીએસઆઇ ડી.આર.ગઢવી સહિતના સ્ટાફે ચારેય શખ્સોને ઝડપી લીધા હતા તેની પાસેથી રોકડ, મોબાઇલ, કાર અને દસ જેટલા નકલી સોનાના બિસ્કીટ મળી રૂા.1.39 કરોડનો મુદામાલ કબ્જે કરી તેની સાથે સંડોવાયેલા લખતર તાલુકાના ઇંગરોલી ગામના સાહિલખાન નસીતખાન જત અને પોલીસના સ્વાંગમાં આવેલા સુલેમાન શેખ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોની શોધખોલ હાથધરી છે.
અબ્દુલ લંઘા સામે અંજારમાં ખૂન, ભુજમાં મારામારી, ઇસ્માઇલ લંઘા સામે રાજકોટ આજી ડેમ પોલીસ મથકમાં છેતરપિંડી, સાહિલખાન નસીબખાન જત સામે ચાંગોદર, લીંબડી અને રાજકોટમાં છેતરપિંડી અને વિરમગામમાં હથિયાર અને અર્જુન પટેલ સામે અમરેલીમાં દારૂના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.