સમગ્ર સૌરાષ્ટ્રમાં દસથી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.૨.૮૬ લાખનો મુદામાલ કબ્જે
ચૂનારવાડ ચોકમાં આવેલી ડાભી હોટલ પાસેથી આંતર જિલ્લા તસ્કર ગેંગના ચાર તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા તેને રાજકોટ, ગોંડલ, કેશોદ અને જામનગરમાં દસ જેટલા સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તસ્કર ગેંગ પાસેથી રૂ.૨.૮૬ લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વોરા કોટડા રોડના આનંદગીરી હરીગીરી ગૌસ્વામી, વિજય પ્લોટના છોટુ જયંતી સોલંકી તેનો ભાઇ અર્જુન જયંતી સોલંકી અને ગાંધી સોસાયટીના કિશન મનુ ચૌહાણ નામના શખ્સોને ચૂનારાવાડ ચોકમાં આવેલી ડાભી હોટલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બીપીનદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ મકવાણા અને જયંતીભાઇ ગોહેલ સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
ચારેયની પૂછપરછ દરમિયાન ટપુ ભવાન પ્લોટમાંથી રૂ.૧૮ હજાર રોકડા, સોનાના ઘરેણાની ચોરી, કેવડાવાડીમાં બંધ મકાનમાંથી સોનાના ઘરેણા અને રોકડની ચોરી, કેશોદ પટેલ મીલ રોડ પર વૃંદા મોબાઇલ નામની દુકાનમાંથી ૧૫ મોબાઇલ, લેપટોપ રૂ.૭૫ લાખની રોકડની ચોરી, કેશોદ શરદ ચોકમાં બંધ દુકાનમાંથી રૂ.૪,૫૫૦ રોકડા, જામનગર વિકટોરીયા પુલ પાસેથી બાઇકની ચોરી, ગોંડલના વોરા કોટડા રોડ સુમરા સોસાયટીમાં બાઇક ચોરી, વાણીયાવાડી શેરી નંબર ૨માં બંધ મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રૂ.૫૦ હજારની રોકડની ચોરી, ગુંદાવાડી શેરી નંબર ૧૧માં બંધ મકાનમાંથી રૂ.સોનાના ઘરેણા અને રૂ.૮૦ હજાર રોકડાની ચોરી, કેશોદમાં અમૃતનગરમાં બંધ મકાનમાંથી સોનાના ઘરેણા અને રૂ.૭ હજારની રોકડ અને બાજુના મકાનમાંથી સોની વેપારીની દુકાનીમાંથી ૫૦૦ ગ્રામ ચાંદી અને સોનાના ઘરેણાની ચોરી કર્યાની કબુલાત આપી છે.
ચારેય તસ્કરો પૈકી આનંદગીરીએ જૂનાગઢ, ગોંડલ, ઉપલેટા, રાજકોટ અને વિરપુરમાં ચોરી તેમજ લીંબડી અમદાવાદ હાઇ-વે પર હત્યાના ગુનામાં ઝડપાયો છે. જ્યારે અર્જુન જયંતી સોલંકી અને તેનો ભાઇ છોટુ જયંતી સોલંકીએ ઉપલેટા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને ગોંડલમાં ચોરી કર્યાની અને કિશન મનુ ચૌહાણ કુવાડવા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં ઝડપાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.