એલ.સી.બી.એ પાંચ શખ્સોની ધરપકડ કરી 13 બાઇક અને પાંચ મોબાઇલ મળી રૂા. 2.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ શહેરમાં 11, ગ્રામ્યમાં 8 અને ગારિયાધારમાં એક બાઇક ઉઠાવ્યાની કબૂલાત

રાજકોટ જિલ્લાના વિછીંયા નજીકથી એલ.સી.બી. એ આંતર જિલ્લા તસ્કર ગેંગના પાંચ શખ્સોને ઝડપી લઇ 18 મહિનામાં રાજકોટ અને ભાવનગરથી 20 બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે 13 બાઇક, 5 મોબાઇલ અને વાહનના સ્પેર પાર્ટસ મળી રૂા.2.85 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવોને ડામી દેવા અને વણ ઉકેલ ચોરીના બનાવોના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

વિછીંયા પંથકમાં પેટ્રોલીંગ દરમિયાન રાજકોટ તાલુકાના વેજાગામનો જયદીપ હમીર મેરિયા, વિછીંયાના સનાળી ગામના હર્ષદ ભોળા તાવિયા, વિછીંયાના આસલપુર વિશાલ પ્રવિણ ઝાપડીયા, લીલીયાનો તનવીર ઇકબાલ કાજી અને તળાજાના રાજપરા ગામનો પંકજ ઉર્ફે સુરેશ ભુપત ધાંપા નામના શખ્સો ચોરાઉ બાઇક સાથે ઉભા  હોવાની કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ અને પ્રકાશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ઉપરોક્ત પાંચ શખ્સોની અટકાયત કરી ચોરાઉ 13 બાઇક મળી આવતા પૂછપરછ કરતા તેણે 18 માસના સમય ગાળામાં 11 બાઇક રાજકોટ શહેરમાંથી, રાજકોટ ગ્રામ્યમાંથી  8 બાઇક અને ગારિયાધાર પાસેથી એક બાઇક મળી કુલ 20 બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી હતી.

ઝડપાયેલો તસ્કર ગેંગના પાંચ શખ્સો પાસેથી 13 બાઇક અને પાંચ મોબાઇલ મળી રૂા.2.85 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.