૩૩ ટીમો દ્વારા આરોગ્ય તપાસણી, ૪૮ લોકોના સેમ્પલ લેવાયા તમામ નેગેટીવ
ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી છે. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સબંધિત તંત્ર દ્વારા સજાગ થઇ કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે ૨૧ એપ્રીલના રોજ પોઝીટીવ કેસ નોંધાતા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ.
જેમા વાવડી, બાવાની વાવ, મોરાસા, ઉંબરી, વડોદરાઝાલા, પ્રશ્નાવડા વાડી વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ. આ વિસ્તારમાં કુલ ૨૦૧૦ ઘરો આવેલ છે. જેમની વસ્તી ૧૧,૩૫૪ છે. તેમની ડીસ્ટ્રીક્ટ સર્વેલન્સ અધિકારી ડો.નીમાવતની દેખરેખ હેઠળ આરોગ્યની ૩૩ ટીમો દ્વારા દરરોજ આરોગ્યની તપાસણી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
કલસ્ટર વિસ્તારમાં આવેલ ગામોમાંથી ૨૧૮૯ લોકોને અલગ તારવી ૬૦ વર્ષથી ઉપરના વૃધ્ધો ૧૧૧૪, પાંચવર્ષથી નાના બાળકો ૭૨૧, સગર્ભા અને ધાત્રી માતાઓ ૧૦૫, અન્ય બિમારીવાળા દર્દીઓ ૨૪૯ તેની તબીબી તપાસણી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ તરીકે વાવડી ૨૫, ઉંબરી ૫, મોરાસા ૨, બાવાની વાવ ૧૦, વડોદરા ઝાલા ૪, પ્રશ્નાવડા વાડી વિસ્તાર ૨ માંથી ૪૮ સેમ્પલ લેવામાં આવેલ છે. જે સેમ્પલ નેગેટીવ આવેલ છે. તેમ આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.