દારુ પી બાઇક ચલાવવા, છરી અને લાકડી જેવા હથિયાર સાથે ફરતા માથાભારે શખ્સોની ધરપકડ
પોલીસને પડકાર સમાન બનેલી ઘટનાથી પોલીસ સ્ટાફ સફાળો જાગ્યો: લુખ્ખાઓને કાયદાના પાઠ ભણાવ્યા
શહેરમાં પોલીસનું અસ્તીત્વ જ ન હોય તેમ આનંદ બંગલા ચોકમાં લુખ્ખાઓએ કારના કાચ ફોડવાની અને સ્વામીનારાણ ચોકમાં રસ્તા રોકી જાહેરમાં બર્થડે પાર્ટી યોજી પોલીસ સાથે માથાકૂટ કરવા સહિતની તેમજ સહકારનગરમાં નામચીન શખ્સના ભાઇના લગ્ન પ્રસંગમાં જાહેરમાં દારુ પી કરેલા ડાન્સ સહિતની કેટલીક ઘટના પોલીસ માટે પડકાર સમાન બની હોવાથી પોલીસ ખાખીનો ખૌફ બતાવવા રવિવારે સાંજે શહેરના મુખ્ય માર્ગ અને જાહેર ચોકમાં સઘન ચેકીંગ કરી દારુનો નશો કરેલા અને છરી-ધોકા સાથે ફરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી કરી હતી.
આજે પણ રવિવારે રાત્રે પોલીસ દ્વારા રાજકોટનાં મુખ્ય માર્ગો અને મુખ્ય ચોકમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેસકોર્સ રિંગ રોડ, કોટેચા ચોક, ઇન્દિરા પાર્ક સર્કલ, રૈયા ચોકડી, સોરઠીયા વાડી, ચુનારાવાડ, કટારીયા ચોકડી, મવડી ચોકડી વગેરે સ્થળોએ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાઇબર ક્રાઇમ અને ટ્રાફિક બ્રાન્ચ ઉપરાંત જે – તે પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સહિત 100થી વધુ અધિકારીએ અને કર્મચારીઓનો કાફલો ઉતારી દેવાયો હતો.
રવિવારે મોટી સંખ્યા સંખ્યામાં લોકો ફરવા માટે નીકળતા હોય ત્યારે અમુક આવારા તત્વોની પણ રંજાડ થતી હોવાથી આજે પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરનાં વાહનોને અટકાવીને કેસ કરાયા હતા. કારમાં કાળી ફિલ્મ લગાવનાર પણ દંડાયા હતા. ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કરેલા વાહનોને ટોઇન્ગ કરીને લઇ જવાયા હતા. બ્રેથ એનાલાઇઝરથી કેટલાક નશાબાજોને પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક નબીરાઓને પણ અટકાવીને કાયદાનાં પાઠ ભણાવાયા હતા.
હોટલ જાહેરનામાનો ભંગ કરતા પાંચ હોટલ સંચાલક સામે નોંધાતો ગુનો
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગઇકાલે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત બસ સ્ટેશન પાછળ આવેલી વાત્સલ્ય ગેસ્ટ હાઉસના પ્રદિપ રાજારામ અજનાર, મુરલીધર ગેસ્ટ હાઉસના ખડકસીંગ કરીસીંગ ગોહિલ, હોટલ સ્કાયના અતુલ મનસુખ પિત્રોડા, જયશ્રી ગેસ્ટ હાઉસના નરેન્દ્ર બાબુલાલ અંજાર અને વિશ્રામ ગેસ્ટ હાઉસના નરેન્દ્ર ભગવાનજી વાઢેર સામે સીસીટીવીના ફુટેજ ત્રણ માસ સુધીના રેકોડીંગ રાખવા અંગેના જાહેરનામાના ભંગ કર્યાનો એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.