સિટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હાઈવે ઉપર જતા વાહનોની સઘન તપાસ: પ્રાંત અધિકારીઓ પણ ખડેપગે
આદર્શ આચારસંહિતાના પાલન સાથે રાજકોટ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિવિધ ટીમનું આયોજન કરીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ખાસ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા આઠ વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
વિધાનસભા બેઠક 68 પૂર્વ વિસ્તારમાં આજીડેમ ચોકડી ખાતે સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં ફરજ બજાવતાં જયદીપ પારેજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આઠ કલાકની ડ્યુટી સાથે એસએસટી અને એફએસટી ની ટીમ દ્વારા 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે. 3 પોલીસ જવાનોના સહયોગ સાથે કુલ 6 સભ્યોથી બનેલી એએસટી અને એફએસટી ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 68 પૂર્વ બેઠકમાં બેડી અને કુવાડવા ચોકડી ખાતે પણ સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નાના મૌવા ચોક ખાતે પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે તેમ 69 પશ્ચિમ બેઠકના સ્ટેટીક સર્વેલન્સ ટીમના સભ્ય રવિભાઈ સાગઠીયાએ ઉમેર્યું હતું.
આમ 68 રાજકોટ પૂર્વના રિટર્નીગ ઓફિસર સૂરજ સુથાર અને 69 પશ્ચિમ બેઠકના રિટર્નીગ ઓફિસર સંદીપ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ એસએસટી અને એફએસટી ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત 71 રાજકોટ ગ્રામ્ય અને 73 ગોંડલ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી વિવેક ટાક અને કે.વી. બાટીના માર્ગદર્શન હેઠળ ગઈકાલ રાત્રીના ફલાઈગ સ્કવોડની ટીમ સ્ટેટીક સર્વેલન્સ ટીમ વગેરેએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતુ કે 71 રાજકોટ ગ્રામ્ય અને 73 ગોંડલ વિધાનસભા મત વિસતારમાં 3 ફલાઈગ સ્કવોડ અને 3 એસ.એસ.ટીની ટીમો દદ્વારા સરપ્રાઈઝ ચેકીંગ તેમજ પેટ્રોલીંગ રાઉન્ડ ધ કલોક કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ 68 વિધાનસભા મત વિસ્તાર બેડી ચોકડી અને મોરબી રોડ ખાતે તથા 69 વિધાનસભા મત વિસ્તારમાં કાલાવડ રોડ ખાતે ગઈકાલે રાત્રે રીટનીંગ ઓફક્ષસર સંદીપકુમાર વર્મા અને સુરજ સુથારાના માર્ગદર્શન હેઠળ એસએસટી સ્ટેટીક સર્વેલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતુ. આ કામગીરીમાં વિડિયો સર્વેલન્સ વિડિઓ વ્યુઈગ ફલાઈંગ સ્કવોડ વગેરે સામેલ હતી.
- ચૂંટણીતંત્રની સાથે નાગરિકો પણ આચારસંહિતા ભંગ પર રાખે છે સી-વીજીલ એપથી ચાંપતી નજર
- સી-વિજીલ એપ પર મળેલી આચારસંહિતા ભંગની 28 ફરિયાદોનો તુરંત નિકાલ
રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે, વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી આજે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ 28 ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણીતંત્ર અત્યારે રાઉન્ડ ધી કલોક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 0322 જારી કરવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી વિજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં 27 જેટલી ફરિયાદો આવી છે. જેમાં બે ફરિયાદો સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જ્યારે ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી 1-1, ગોંડલ મત ક્ષેત્રમાંથી 10, જેતપુર ક્ષેત્રમાંથી 2, રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાં થી 2, રાજકોટ દક્ષિણમાંથી 5 તથા રાજકોટ પશ્ચિમ ક્ષેત્રમાંથી 1 મળીને કુલ 25 ફરિયાદો નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
- રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી
- કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ?
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે, ક્ધટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટુંકાગાળામાં ઉકેલવામાં આવી છે.
2. અત્યાર સુધીમાં કેવી કેવી ફરિયાદો આવી છે?
રાજકોટ જિલ્લાના વિવિધ મત ક્ષેત્રોમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી.
- એમ.સી.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજતા આઇ.ટી. સેલના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ને અનુલક્ષીને રાજ્યભરમાં કાર્યરત કરાયેલી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના સભ્યો સાથે આઇ.ટી. સેલના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રી અશોક પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. રાજ્યભરના 33 જિલ્લાઓમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે એમ.સી.એમ.સી. કાર્યરત કરવામાં આવેલી છે, જેના સભ્યોને પેઇડ ન્યુઝ તથા ચૂંટણી પ્રચાર માટે થતા ખર્ચ પર ચાંપતી દેખરેખ રાખવા અશોક પટેલે ખાસ અનુરોધ કર્યો હતો. વિવિધ રાજકીય પક્ષો દ્વારા થતા પ્રચાર પ્રસાર પાછળનો ખર્ચ નોંધવા માટે એમ. સી. એમ. સી. ના સભ્યોએ કઈ રીતે ફોર્મ ભરવા, જરૂરી વિગતો એકત્રિત કરવી તથા ભરેલા ફોર્મ સંબંધિત અધિકારીઓને પહોંચાડવા વિશે અશોક પટેલે પ્રશ્નોત્તરીના માધ્યમ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજ્યભરના એમ. સી. એમ. સી. ના સભ્ય સચિવો, સ્વતંત્ર સભ્યો તથા નોડલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.