જેમની કરૂણાદ્રષ્ટિ પામીને અનેકો આત્માઓ સંસાર ત્યજીને સંયમની યાત્રામાં, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપરૂપ ધર્મના ચારસ્તંભમાં અહોભાવપૂર્વક આગળ વધી રહ્યા છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ આદિ સંત-સતીજીઓનો મહારાષ્ટના, પડઘા સ્થિત, પરમધામ સાધના સંકુલમાં પ્રવેશ થતાં જ અનેક આત્માઓ ઉગ્ર તપ આરાધનામાં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં ગિરનારની પાવન ભૂમિ પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજ્ય પરમ સંવેગીજી મહાસતીજી 25માં ઉપવાસની આરાધના સાથે મક્કમ મનોબળપૂર્વક આગળ વધી રહ્યા છે.
એ સાથે જ, 7 વર્ષ પૂર્વે જેઓને સંયમના દાન મળ્યા હતા તેવા પૂજ્ય પરમ કૃપાજી મહાસતીજી, કોલકાતામાં જેઓને દીક્ષા પ્રદાન થઈ હતી તેવા પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજી તથા ગિરનારની ભૂમિ પર દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજ્ય પરમ નેમિશ્વરાજી મહાસતીજી તેમજ નવદિક્ષિત પૂજ્ય પરમ સુરમ્યાજી મહાસતીજી 9માં ઉપવાસની આરાધના સાથે અહોભાવપૂર્વક આગળ વધી રહ્યા છે. જેમનું નામ ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે અંકિત છે, તેવા 2018માં રાજકોટની રાજાણી નગરીમાં દીક્ષિત થયેલા પૂજ્ય પરમ આરાધ્યાજી મહાસતીજી 6વિં ઉપવાસની આરાધના સાથે આગળ વધી રહ્યા છે.
વિશેષમાં, ગિરનાર ભૂમિ પર દીક્ષિત થયેલા નવદિક્ષિત પૂજ્ય પરમ ઋષિમિત્રાજી મહાસતીજીએ 16 ઉપવાસની આરાધના શાતાપૂર્વક સંપન્ન કરેલ છે.