આતંકીઓએ નરીમાન પોઈન્ટ ખાતેની હોટલથી વાનખેડે સ્ટેડીયમ સુધી ખેલાડીઓની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ: ખેલાડીઓની સુરક્ષા વધારતી મુંબઈ પોલીસ
આઈપીએલના ખેલાડીઓ પર આતંકી હુમલો થવાનો ગુપ્તચર એજન્સીએ રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટથી મુંબઈ પોલીસ સ્તબ્ધ બની છે. ઉપરાંત મુંબઈ પોલીસે આઈપીએલના ખેલાડીઓની સુરક્ષા પણ વધારી દીધી છે. અગાઉ આતંકીઓએ નરીમાન પોઈન્ટ ખાતેની હોટલથી વાનખેડે હોટલ સુધી ખેલાડીઓની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ આઈપીએલ ચાલી રહ્યો છે જેમાં ભારતના તેમજ વિદેશના ઘણા ખેલાડીઓ રમી રહ્યાં છે. આ આઈપીએલના ખેલાડીઓને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે. ગુપ્તચર સંસ્થાઓએ આઈપીએલના ખેલાડીઓ પર આતંકી હુમલો થાય તેવી શકયતા વ્યકત કરતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટના કારણે મુંબઈ પોલીસ પણ સ્તબ્ધ બની જવા પામી છે. ગુપ્તચર સંસ્થાએ આપેલા ઈન્પુટના આધારે મુંબઈ પોલીસે આઈપીએલના ખેલાડીઓની સુરક્ષા સઘન બનાવી છે. ખેલાડીઓ જયાં રોકાય છે તે હોટલ તેમજ સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુપ્તચર સંસ્થાના રિપોર્ટ મુજબ આઈપીએલના ખેલાડીઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં અથવા તો વાનખેડે સ્ટેડિયમ પર આતંકવાદી હુમલો થવાની શકયતા છે. આ રિપોર્ટથી તમામ સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ બની છે. જો કે, ગુપ્તચર સંસ્થાના રિપોર્ટ બાદ મુંબઈ પોલીસે તુર્ત જ હરકતમાં આવીને સુરક્ષા વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ ગુપ્તચર અહેવાલ મળ્યો હતો કે, આતંકવાદીઓ ભારતની લોકસભાની ચૂંટણીને લોહીયાળ બનાવી શકે છે ત્યારે ગુપ્તચર સંસ્થાએ વધુ એક અહેવાલ આપ્યો છે કે, આઈપીએલના ખેલાડીઓ આતંકવાદીઓના નિશાને ચડયા છે. જેના કારણે હાલ આઈપીએલના ખેલાડીઓના રોકાણ સ્થાન, સ્ટેડિયમ તેમજ તેમના ‚ટ ઉપર મુંબઈ પોલીસે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.