તમામ કેડરના બધા યુનિયનો એક થઇ હડતાલમાં જોડાશે: સરકાર સામે જબરો વિરોધ
તા.1પ અને 16 ના બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી સજજડ અને સફળ હડતાલ પછી આજે તા. 17મીને બુધવારના સામાન્ય વીમા નિગમ (જી.આઇ.સી.) ના કર્મચારીઓની હડતાલ પછી આવતીકાલ તા. 18મી માર્ચે ગુરૂવારે જીવન વીમા સંસ્થા એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયાના તમામ કેડરના બધા જ યુનિયનો એક થઇને સજજડ હડતાલ પાડી કેન્દ્ર સરકારની ખાનગીકરણની અંધાધુંધ આર્થિક નીતિ સામે પ્રચંડ વિરોધ વ્યકત કરશે. આ રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત ઉપરાંત દેશભરના મળીને અંદાજે એક લાખથી વધુ કર્મચારીઓ, અધિકારીઓ જોડાશે તેમ સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી વીમા કામદાર નેતા હર્ષદ પોપટે જણાવ્યું છે.
દેશવ્યાપીઓને જીવન વીમાનું સંરક્ષણ આપવા ઉપરાંત દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી દેશની પ્રગતિશીલ અને કરોડો દેશવાસીઓના ભરોસા અને વિશ્ર્વાસનું પ્રતિક એવી એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયાનો આઇ.પી.ઓ. લાવવાના કેન્દ્ર સરકારના પગલાના વિરોધ ઉપરાંત વીમા ક્ષેત્રમાં વિદેશી મુડી રોકાણનું પ્રમાણ 49 ટકા થી વધારી 74 ટકા કરવાના સરકારના નિર્ણયના વિરોધ ઉપરાંત એલ.આઇ.સી.ના કર્મચારીઓ તથા અધિકારીઓના પગાર સુધારણામાં 41 માસથી થઇ રહેલા અસહ્ય વિલંબનું એલાન અપાયું છે. તેમાં વર્ગ-1 ના અધિકારીઓ, વર્ગ-ર ના વિકાસ અધિકારીઓ તથા વર્ગ-3 અને 4 ના તમામ યુનિયનોના સભ્યો જોડાશે તેથી આ હડતાલ અભૂતપૂર્વ બની રહેશે.
બેંકો અને વીમા કંપનીઓ જેવી અર્થતંત્રની ચાવીરૂપ નાણાકીય સંસ્થાઓ માટે ખુબ જ મહત્વના માચ માસમાં જ સતત ચોથા દિવસે આ ચોથી હડતાલ પડી રહી છે. છતાં કેન્દ્ર સરકારના પેટનું પાણીયે હલતું નથી. અને વાટાઘાટો માટે સરકાર જરાય દરકાર કરતી નથી તે નીતિ ભારે ટીકાપાત્ર થઇ રહી છે.
હડતાલના દિવસે તા.18મીએ સવારે 11 વાગ્યે કર્મચારીઓ, અધિકારીઓ યુનિયન લીડરોના નેતૃત્વમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો કરશે. તેમાં તમામ કર્મચારીઓ, અધિકારીઓને હાજર રહેવા અપીલ કરાઇ છે. બહુમતના જોરે બેકાબુ બનીને ખાનગીકરણના આંધળુકીયા કરતી સરકાર સામે કામદારો, કર્મચારીઓમાં ભારે રોષ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તેને વાચા આપવા આ હડતાલનું એલાન અપાયું છે.
આ હડતાલમાં એલ.આઇ.સી. ની રાજકોટના ચાર શાખાઓ ઉપરાંત ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ, કેશોદ, ઉના, વેરાવળ, મોરબી, જામનગર, ભુજ, પોરબંદર, ગાંધીધામ, એમ તમામ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. રાજકોટ ડીવીઝનની આ તમામ શાખાઓ ઉપરાંત ભાવનગર ડિવીઝન તાબાની સુરેન્દ્રનગર, લીંબડી, ભાવનગર, શિહોર, મહુવા, સાવરકુંડલા, બોટાદ શાખાના કર્મચારીઓ અધિકારીઓ પણ જોડાશે.