અબતક, રાજકોટ
દેશની ૩૦ ટકા વસ્તી એટલે કે ૪૦ કરોડ લોકો વીમાના સ્વરૂપમાં કોઈ નાણાકીય સુરક્ષા ધરાવતા ન હોવાનો નીતિ આયોગે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. જેની પાછળ બે કારણો છે એક તો વીમા કંપનીઓ વિશ્વાસનીતા ગુમાવી રહી છે. બીજું કારણ સસ્તા ભાવની વીમા પોલીસીનો અભાવ છે. આ રિપોર્ટથી સરકાર ચિંતામાં મુકાઈ છે. કારણકે જો વીમાથી સુરક્ષિત ન હોય તેવા લોકોને જો ઇમરજન્સી મેડિકલ ખર્ચ આવે તો તે ગરીબી રેખામાં ધકેલાઈ શકે છે.
નીતિ આયોગના હેલ્થ ઈન્સ્યોરન્સ ફોર ઈન્ડિયાઝ મિસિંગ મિડલ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વીમા કવરેજનું વિસ્તરણ એ સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજ હાંસલ કરવાના ભારતના પ્રયાસોમાં એક આવશ્યક પગલું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછી ૩૦ ટકા વસ્તી એટલે કે ૪૦ કરોડ લોકો સ્વાસ્થ્ય માટે કોઈપણ નાણાકીય સુરક્ષાથી વંચિત છે. રિપોર્ટમાં તેમને મિસિંગ મિડલ કહેવામાં આવ્યા છે. ઓછી કિંમતના સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનની ગેરહાજરીમાં આ લોકો પાસે સસ્તું પ્રિમીયમ ચૂકવવાની ક્ષમતા હોવા છતાં સ્વાસ્થ્ય વીમો નથી. રિપોર્ટ અનુસાર, મિસિંગ મિડલ એ એક વ્યાપક શ્રેણી છે જેમાં સ્વાસ્થ્ય વીમાનો અભાવ છે. તેઓ સીમાંત ગરીબ વર્ગો અને પ્રમાણમાં સમૃદ્ધ સંગઠિત ક્ષેત્ર વચ્ચેના લોકો છે.
અહેવાલમાં જણાવાયું છે કે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સપ્ટેમ્બર ૨૦૧૮ માં શરૂ કરવામાં આવી હતી. જે રાજ્ય સરકારની યોજનાઓ સાથે ગરીબ વસ્તીના ૫૦ ટકા એટલે કે લગભગ ૭૦ કરોડ લોકોને હોસ્પિટલ સારવાર માટે વ્યાપક કવર પ્રદાન કરે છે.લગભગ ૨૦ ટકા વસ્તી અથવા ૨૫ કરોડ વ્યક્તિઓ સામાજિક સ્વાસ્થ્ય વીમા અને ખાનગી સ્વાસ્થ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાકીની ૩૦ ટકા વસ્તી આરોગ્ય વીમાથી વંચિત છે. ઙખઉંઅઢ માં હાલના કવરેજ ગેપ અને યોજનાઓ વચ્ચેના ડુપ્લિકેશનને કારણે વાસ્તવિક વીમાથી વંચિત વસ્તી વધારે છે.
હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો, જે મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી બીજી કોઈ યોજના લાવી શકે છે. સરકારનું ધ્યાન દેશના તે ૪૦ કરોડ લોકો પર છે જેમની પાસે કોઈ વીમો નથી. આ નવી યોજનામાં આ લોકોને વીમાનો લાભ આપવામાં આવી શકે છે. સરકારે આ માટે ૨૧ વીમા કંપનીઓ પર વિચાર કર્યો છે, જે ખૂબ જ સસ્તા દરે લોકોને વીમો ઉપલબ્ધ કરાવશે. આ પ્રોગ્રામ સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી શકાય છે. ૪૦ કરોડ લોકો એવા છે જેમની પાસે મેડિકલ વીમાનું કવચ નથી. આવા લોકોને મિસિંગ મિડલનું નામ આપવામાં આવે છે. એટલે કે અમીર અને ગરીબોમાં વીમા વગરના ૪૦ કરોડ લોકો છે, જેમના માટે સરકાર નવી યોજના શરૂ કરી શકે છે. સરકારનું માનવું છે કે જો આ લોકોને વીમાનો લાભ નહીં આપવામાં આવે અને તેઓ કોરોના મહામારીમાં ફસાઈ જાય તો ઈમરજન્સીમાં આવા લોકો ગરીબીમાં જઈ શકે છે. જો કોઈ ગંભીર બિમારી થઈ જાય તો આ લોકોની વધારે મુડી સારવારમાં ખર્ચ થઈ જશે. જેથી તેમની જમાપુંજી વપરાય જશે.
દેશના ૪૦ કરોડ લોકો પાસે વીમાના સ્વરૂ પમાં કોઈ નાણાકીય
સુરક્ષા ન હોવાનો નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ
વીમા કંપનીઓ લોકોને ઓન પેપર છેતરવાનું લાયસન્સ ધરાવે છે!!
મંડળે જણાવ્યું કે વીમા કંપનીઓ લોકોને ઓન પેપર છેતરવાનું લાયસન્સ ધરાવે છે. પૈસા લઈને ભાગી જાય છે અને ગ્રાહક લાચાર બને છે. સરકારે અને અદાલતોએ આ મામલે ગંભીર બનવાની જરુર છે. પહેલા કંપનીઓના એજન્ટો ગ્રાહકોને લલચાવે છે. ઓનલાઇન પણ આકર્ષક ઓફર્સ રજૂ કરી લલચાવવામાં આવે છે. ત્યારબાદ આ કંપનીઓ પોતાનો કલર બતાવે છે. આ વીમા કંપનીઓ ૯૦ ટકા વિમાઓ ચૂકવવાની ના પાડે છે. કઈકને કઈક કોથળામાંથી બિલાડુ કાઢીને તે રકમ ચૂકવવામાં આનાકાની કરે છે.
વીમા કંપનીઓના કાળા કારનામા સામે ગ્રાહક સુરક્ષા મંડળ લાલઘૂમ
વીમા કંપનીઓના કાળા કારનામાં અંગે ગ્રાહક સુરક્ષા મંડળ પણ લાલઘુમ થયું છે. વીમા કંપનીઓ કઇ રીતે ગ્રાહકોને છેતરે છે. ગ્રાહક સુરક્ષા મંડળ પાસે વીમા કંપનીઓ કલેઈમમાં ડાંડાઈ કરતી હોવાની ફરિયાદોનો મારો સતત આવ્યા કરે છે. જેથી આ મંડળ વીમા કંપનીઓની મેલી મુરાદને બખૂબી જાણતું હોય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણીએ અબતકને વિશેષ વિગતો પ્રદાન કરી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ અહીં રજુ કરાયો છે.
કોરોના કાળમાં વીમા કંપનીઓએ વિશ્ર્વાસ સંપૂર્ણપણે ગુમાવ્યો
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યું કે વીમા કંપનીઓ ઉપર લોકોને પહેલાથી જ વિશ્વાસ મુકવામાં ડર લાગે છે. તેવામાં કોરોનાકાળમાં તો વીમા કંપનીઓએ સાવ વિશ્વાસ ગુમાવ્યો છે. કોરોના વખતે લોકોના મૃત્યુ થયા ત્યારે વીમા કંપનીની કસોટી થઈ અને વીમા કંપનીઓ તેમાં નિષ્ફળ ગઈ હતી. કોવિડના કારણે મૃત્યુ થયા અથવા સારવાર લેવી પડી તેમાં વીમા કંપનીઓએ દર્દીને ભૂતકાળમાં ફલાણા દર્દ હતા. ફલાણા દર્દ ગ્રાહકે છુપાવ્યા હતા. આવા નતનવીન બહાના કાઢીને છટકવાનો પ્રયાસ કર્યો હતો.
સીમના ખેડૂતથી લઈને સીમાના સૈનિક સુધી તમામ વીમા કંપનીઓની મેલીમુરાદનો બની રહ્યા છે ભોગ
સીમના ખેડૂતથી લઈને સીમાના સૈનિક સુધી તમામ વીમા કંપનીઓની મેલીમુરાદનો ભોગ બન્યા છે. પાક વીમાના પૈસા સરકાર ચૂકવે છે. પણ ૫ ટકા પણ ક્લેઇમ ચુકવવામાં આવતો નથી. વીમા કંપની પોતે જ સર્વે કરાવે છે અને પોતે જ ધારાધોરણ નક્કી કરી ખેડૂતો સાથે અન્યાય કરે છે. બીજી તરફ સરકારે સરહદના સૈનિકોનો પણ વીમો લીધો હોય છે. આ સૈનિક શહિદ થયા હોય ત્યારબાદ તેનો ક્લેઈમ મંજુર કરવામાં વીમા કંપનીઓ ઠાગાઠૈયા કરે છે. આવા હજ્જારો કેસ છે. તેમ છતાં વીમા કંપનીઓને સહેજ અમથી પણ શરમ નથી.
ગ્રાહક અદાલતનો ૯૦થી ૧૫૦ દિવસમાં કેસનો નિકાલ કરવાનો નિયમ, પણ તેનું પાલન નહિ
ગ્રાહક અદાલતે કેસોનો ૯૦થી ૧૫૦ દિવસમાં કેસનો નિકાલ કરવો એવો નિયમ છે. પણ તેનું પાલન થતું નથી. જેથી ગ્રાહકોના હીતમાં સરકાર અને કોર્ટ બન્નેએ ગંભીરતા દાખવવી જોઈએ. વધુમાં વીમા કંપનીઓ સરકારની ગાઈડલાઈનને પણ ઘોળીને પી રહી છે. તેવામાં તેમના ઉપર ગાળિયો કસવાની જરૂર છે. કારણકે હવે સામાન્ય માણસ વિમાના નામથી પણ દૂર ભાગી રહ્યો છે.
વીમા કંપનીઓની આડોડાયનો ભોગ બનો તો તુરંત ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરો
રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી અને તેમના પતિ રામજીભાઈ માવાણી જે બન્ને સાંસદ પણ રહી ચૂક્યા છે. આ દંપતી વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનું કામ કરી રહ્યું છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ લોકો વીમા કંપનીઓની આડોળાઇનો ભોગ બન્યું હોય તો તેઓ તુરંત ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરે. મંડળની ઓફિસનું સરનામું ૩૨૯-પોપટભાઈ સોરઠીયા ભવન, સદર પોલીસ ચોકી સામે, રાજકોટ છે. મો.નં. ૯૪૨૬૨૦૧૬૧૧ અને ૭૦૧૬૧૩૧૮૭૨ છે. ઉલ્લેખનીય છે કે મંડળે કોવિડના ૨૫થી વધુ કેસોનું સમાધાન કરાવ્યું હતું. ઉપરાંત ૫૦થી વધુ કેસોમાં લડત શરૂ કરી છે.