મંદિરોને વેરાબીલના વિરોધમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપનાર કોંગી કાર્યકરો ભાન ભુલ્યા: મહાદેવ બનેલા કોંગી કાર્યકર સહિત ત્રણની અટકાયત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોરબી રોડ પર આવેલા એક શિવ મંદિરને વેરા બીલ ફટકારવામાં આવતા આ ઘટનાના વિરોધમાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપનાર કોંગી કાર્યકરો મર્યાદા અને ભાન ભુલી ગયા હતા. મહાદેવનો વેશ ધારણ કરનાર ભાવેશ પટેલ નામનો કોંગી કાર્યકર એક હાથમાં ત્રિશુલ, બીજા હાથમાં ડમરુ સાથે મોઢામાં ફાકી ચાવતો નજરે પડયો હતો. મંદિરોને વેરાબીલના વિરોધમાં મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપે તે પૂર્વે જ એ ડિવીઝન પોલીસ સ્ટેશને ત્રણ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા મંદિરોને વેરાબીલ ફટકારવામાં આવતા આજે કોંગ્રેસ દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં ભાવેશ પટેલ નામના કોંગી કાર્યકર મહાદેવનો વેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયની બહાર શિવધુન બોલાવવામાં આવી હતી. જયારે મંદિરનો વેરો ભરવા માટે એક પાત્રમાં લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગી કાર્યકરોએ રાજકોટ મહાનગરપાલિકાના નામનો એક કરોડ પિયાનો ડમી ચેક પણ લખ્યો હતો જે મહાદેવે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની લ્હાયમાં કોંગ્રેસ ભગવાનનું માન-સન્માન જાળવવામાં પણ નિષ્ફળ રહ્યું હતું.
મંદિરોને વેરાબીલના વિરોધમાં મહાદેવનો વેશ ધારણ કરનાર ભાવેશ પટેલ નામનો કોંગી કાર્યકર મહાદેવના વેશમાં ગલોફામાં ફાકી ચાવતો નજરે પડયો હતો જેનાથી લોકોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું હતું. વેરા બીલના વિરોધમાં મ્યુનિ.કમિશનરને આવેદન આપતા પૂર્વે કોંગી કાર્યકરો અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે મહાદેવ બનેલા ભાવેશ પટેલના હાથમાંથી ત્રિશુલ અને ડમરુ આંચકી લીધું હતું. આ ઝપાઝપીમાં રણજીત મુંધવાનો મોબાઈલ પણ ખોવાઈ ગયો હતો. એ ડિવીઝન પોલીસ દ્વારા ત્રણ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.