મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હવે ગુજરાત પરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આવતીકાલથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ જશે.
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરાયેલા 2.75 લાખ લોકોને પરત મોકલવાની કાર્યવાહી જિલ્લાતંત્રને હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જે-તે જિલ્લામાં તંત્રના માર્ગદર્શન માટે ગયેલા મંત્રીઓ-સચિવો પરત આવી જશે. કેન્દ્ર સરકાર, હવામાન વિભાગ, લશ્કર, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ, રાજ્યના નાગરિકો અને મીડિયાનો આભાર માન્યો હતો.
સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના 2000 ગામોમાં વીજપૂરવઠાને પણ અસર પહોંચી હતી. જે હવે પૂર્વવત થતાં માત્ર 144 ગામોમાં વીજપૂરવઠો રાબેતા મુજબ થવાનો બાકી છે તે પણ આજે સાંજ સુધીમાં થઇ જશે. જે વિસ્તારોમાં ઘોરીમાર્ગો પર વૃક્ષો-ઝાડ પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો કલીયર કરી દેવાયા છે. માર્ગ વાહન વ્યવહાર એસ.ટી. નિગમની બસ સેવાઓનું સંચાલન પણ આજે સાંજથી નિયમિત કરી દેવામાં આવશે.