ફી માળખામાં થતા ફેરફારોથી વાલીઓ અવગત થઇ શકે તે માટે શાળાઓએ અલગ પોર્ટલ ઉભું કરી તમામ માહિતી આપવી પડશે
હાલ ખાનગીશાળાઓમાં બેફામ ફી ઉઘરાણીને લઇ વાલીઓ અને સંચાલકો વચ્ચે ગજાગ્રહ ઉભો થયો છે. ત્યારે શાળાઓના ફી માળખાને વાલીઓ સમજી શકે અને જાણી શકે તે માટે શિક્ષણ વિભાગે રાજયની તમામ સ્કુલોને ફીની વિગત નોટીસ બોર્ડ પર મુકવા આદેશ કર્યો છે. અને આ માટે એક અલગ પોર્ટલ ઉભું કરવા રાજય સરકારે તમામ શાળાઓને જણાવ્યું છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે જણાવ્યું હતું કે સરકાર પણ એક પોેર્ટલ ઉભુ કરશે જેમાં રાજયની તમામ શાળાઓની ફીની વિગતો દર્શાવેલી હશે. જેમાં વાલીઓ સર્ચ કરીને સરળતાથી ગમે તે શાળાની ફીની વિગતો મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલના સમયે ખાનગીશાળાઓમાં વસુલાતી બે ફામ ફીને લઇ વાલીઓમાં રોષ ફેલાયો છે. તો આ વિશે હાઇકોર્ટના ચુકાદા બાદ સંચાલકો એ સુપ્રીમમાં જવાનો પડકાર ફેંકયો છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુ જણાવતા કહ્યું હતું કે સરકારે તમામ ખાનગી શાળાઓને અલ્ટીમેટલ આપી દીધું છે. અને ૧૭ જાન્યુઆરી સુધીમાં ફી સુધારાને લઇ અરજી જમા કરાવવા જણાવાયું છે. તેમજ હાઇકોર્ટના ચુકાદા પછી હજુ સુધી જે જે શાળા સંચાલકોએ અરજી મેનેજમેન્ટને સોંપી નથી તે ખાનગી શાળાઓને ત્રણ અઠવાડીયાનો સમય અપાયો છે.
રાજય સરકારની ફી નિયંત્રણ કાયદા હેઠળ પ્રાથમીક માઘ્યમિક અને ઉચ્ચ્તર માઘ્યમિક શાળાઓ માટે ફી મર્યાદા દર્શાવાઇ છે. જેમાં વર્ષમાં પ્રાથમીક શાળાઓમાં રૂ. ૧૫,૦૦૦, માઘ્યમિક માટે ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માઘ્યમિકના ૨૭,૦૦૦ ફી વસુલવાની મર્યાદા નકકી કરાઇ છે. હજુ ૨૫૦૦ જુની શાળાઓ એવી છે કે જેમણે આ બાબતે અરજીઓ જમા કરાવી નથી. જેમને ૧૭ જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ અપાયું છે.
શિક્ષણ વિભાગના સીનીયર અધિકારીએ જણાવ્યું છે કે તમામ શાળાઓએ નોટીસ બોર્ડ પર ફીની બધી વિગતો દર્શાવવી પડશે. અને આ તમામ વિગતો પ્રાઇમરી એજયુકેશન એકટ હેટળ દર્શાવવાની રહેશે. આ પ્રકારે આદેશ અગાઉ અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી એસ.બી. માંડેલીકે કર્યો હતો પરંતુ એકેય શાળાઓએ આ આદેશ ગણકાયોસ્ નથી જેના આધારે હવે રાજયની તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે અને ફરીજયાત પણે નોટીસ બોર્ડ પર ફીની વિગતો દર્શાવવી પડશે જેથી વાલીઓ અને વિઘાર્થીઓ શાળાના ફી માળખાથી અવગત થઇ શકે અને ફેરફારોને જાણી શકે.