રોલ ઓબ્ઝર્વર એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની રિવ્યુ મીટીંગ યોજાઈ: ધારાસભ્યો ડો. મહેન્દ્રભાઈ પાડલીયા અને ડો.દર્શિતાબેન શાહ તથા રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રોલ ઓબ્ઝર્વર એમ.એ.પંડ્યા (સેટલમેન્ટ કમિશનર ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ, ગાંધીનગર)ના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (એસએસઆર)- 2023ની રીવ્યુ મીટીંગ યોજાઈ હતી.

આ તકે રોલ ઓબ્ઝર્વર એમ.એ.પંડ્યાએ મતદાર યાદી ક્ષતિરહિત રહે, લાયકાત ધરાવનાર મતદારનું નામ રહી ન જાય, 18 વર્ષ પુરા કરનારનો સમાવેશ થાય, મૃત્યુ થયેલ મતદારોના નામ નવી યાદીમાંથી નીકળી જાય તે તમામ બાબતોની તકેદારી રાખવા તેમજ વિવિધ ઝુંબેશ ચલાવવા સહિતની સૂચના આપી હતી.

રાજકોટ ડીસ્ટ્રીકટ ઇલેક્શન ઓફિસર અને કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ રાજકોટ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – 2023 અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પ્રાંત અધિકારી વિવેક ટાંકે પી.પી.ટી.ના માધ્યમથી રજૂ કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વ મહેન્દ્રભાઈ પાડલીયા અને ડો.દર્શિતાબેન શાહ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, પ્રાંત અધિકારી સર્વ સૂરજ સુથાર, જે.એન. લિખિયા અને કુ. દેવહુતિ, મામલતદારો, મ.ન.પા.ના જન્મમરણ શાખાના અધિકારીઓ, ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.