રાજકોટ જિલ્લાનો ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન 20 ડીસેમ્બર સુધીમાં મોકલી દેવા ચૂંટણી કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં મતદારયાદી, મતદાન મથકો, મતગણતરી કેન્દ્ર અને રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરોની વિગત સાથે એ ટુ ઝેડ પ્લાનિંગનો અહેવાલ તૈયાર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે.
મતદારયાદી, મતદાન મથકો, મતગણતરી કેન્દ્ર અને રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરોની વિગત સાથે એ ટુ ઝેડ પ્લાનિંગનો અહેવાલ તૈયાર કરવા તંત્રની કવાયત
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં રાજ્યના ચૂંટણી કમિશનર પી. ભારતીએ તમામ જિલ્લા કલેકટરોને 20 ડીસેમ્બર સુધીમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન મોકલી આપવા સૂચના આપી છે.
જેને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી, મતદાન મથકો, સંવેદનશીલ, અતિસંવેદનશીલ મતદાન મથકોની વિગતો, સ્ટાફ, વાહનની સંખ્યા સહિતની વિગતો, ગત ચૂંટણીમાં જે સ્થળોએ વિવાદ થયો હોય તો ત્યાં આ વખતેનો પ્લાન, મતગણતરી સેન્ટર, રિસીવિંગ, ડીસ્પેચિંગ સેન્ટર, આચારસંહિતા અમલવારી સહિતના મુદ્દે ડિટેઇલ પ્લાન તૈયાર કરવા કવાયત હાથ ધરી છે.
પાંચ ડીસેમ્બરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો ગાંધીનગરમાં વર્કશોપ
લોકસભાની ચૂંટણી સંદર્ભે 5 ડીસેમ્બરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓના વર્કશોપનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર પણ હાજરી આપવાના છે. આ વર્કશોપમાં ચૂંટણીની તૈયારીઓને લઈને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે વિચાર વિમર્શ પણ કરવામાં આવનાર છે.