સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાઓ જાહેર જગ્યાને બદલે વાડીએ મુકાયા ??
હળવદ- માળિયા હાઈવે પર આવેલ પાટીદાર પેટ્રોલ પંપની પાછળ વાડીમાં બાકડાઓ મુકી દેવાય છે જયારે ખરેખર આ બાકડાઓ જાહેર જગ્યાએ લોકપયોગી માટે મુકવા જાઈએ પરંતુ અહીં તો જવાબદાર તંત્ર દ્વારા લોકસેવાને બદલે પોતાની જ સેવામાં બાકડા મુકી દેવાતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.ત્યારે હાલ આ ફોટાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થતા આ બનાવ શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો છે.
હળવદ શહેરમાં આજે પણ ઘણી એવી જાહેર જગ્યાઓ છે કે જયાં લોકોને બેસવાના બાકડાઓની અસુવિધા છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં હળવદ શહેરની કોઈક વાડીમાં રાજયસભાના પૂર્વ સાંસદ શંકર વેગડની વર્ષ ર૦૧૭-૧૮ની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ લોકપયોગી બાકડાઓ હોવાના ફોટાઓ વાયરલ થયા હતા. જયારે આ બાબતે હકિકત મેળવતા આ બાકડાઓ હળવદ-માળિયા હાઈવે પર આવેલ પાટીદાર પેટ્રોલીયમ પાછળની એક વાડીમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, શહેરના ઘણા એવા વિસ્તારના લોકોએ જાહેર જગ્યા પર બાકડા મુકવાની માંગ કરી છે ત્યારે આ બાકડાઓ છેક શહેરની વાડીમાં પહોંચી જતા લોકોમાં અનેક ચર્ચાઓએ જાર પકડયું છે.
જાકે આ અંગે હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસર સાગર રાડિયાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, કોઈ વાડીમાં આવા બાકડાઓ મુકાયા હશે તો તેની તપાસ કરવામાં આવશે. જયારે આ બાબતે પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલે જણાવેલ કે, ખરેખર સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કર્યો કહેવાય અને જે પણ વ્યકિતએ પોતાની ખાનગી જગ્યા પર બાકડા મુકયા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જાઈએ.