સંગ્રહખોરોના પાપે બજારમાં પૂરવઠા સામે માંગ વધતા બટેટાના ભાવોમાં ૪૦ ટકા સુધીનો વધારો: બટેટાના કિલોના ભાવ ૩૫થી ૪૦ રૂપિયા વચ્ચે પહોંચ્યા
કૃષિપ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં ખેત પેદાશોને મોટાપાયે સંગ્રહવાની માળખાગત સુવિધાનો દાયકાઓથી અભાવ છે. જેના કારણે ડુંગળી, બટેટા વગેરે જેવા લાંબા સમય સુધી સંગ્રહી શકાય તેવા ખેત પેદાશોના ભાવોમાં સમયાંતરે ભારે ભાવ વધારા ઘટાડો જોવા મળે છે. આવા પાકોને સંગ્રહીને નફાખોરી કરતા તત્વોના પાપે એક સમયે ગ્રાહકોને ઉંચા ભાવના કારણે રડાવતા ડુંગળીના ભાવો બજારમાં પૂરવઠો વધવાથી તેના વિપુલ ઉત્પાદન થવાથી ભાવ નીચા જવાથી ખેડુતોને રડાવે છે. હાલમાં આવી જ સ્થિતિ બટેટાનાં ભાવોની જોવા મળી રહી છે. બટેટાની સંગ્રહખોરી સામે માંગ વધતા દેશભરમાં બટેટાનાભાવોમાં ૪૦ ટકા સુધી વધીને કીલોએ ૩૫ થી ૪૫ રૂા. વચ્ચે થઈ જવા પામ્યા છે. જેથી નરડાવતીથ ડુંગળીની જગ્યાએ હવે બટેટા નદુ:ખાવોથ ઉપડાવે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
રાજકોટ સહિત રાજયભરમાં હાલ બટેટાના છૂટક ભાવો કીલોએ રૂા.૨૫ થી ૪૫ વચ્ચે પહોચી જવા પામ્યા છે. મુંબઈમાં બટેટાના છૂટક ભાવો રૂા.૩૫ થી ૪૫, દિલ્હીમાં રૂા.૩૦ થી ૪૫ જયારે કોલકતામાં રૂા૩૦ થી ૪૦ વચ્ચે બોલાઈ રહ્યા છે. હાલમાં ચોમાસાની ઋતુના કારણે બજારમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થવા પામ્યો છે. ઉપરાંત શ્રાવણ માસના એકટાણા, ઉપવાસ વગેરેમાં ફરાળ કરવામાં બટેટાનો વધારો ઉપયોગ થતો હોય બટેટાની બજારમાં માંગ ઉભી થવા પામી છે. ઉપરાંત બટેટાનો નવો પાક નવેમ્બરમાસમાં આવવાની સંભાવના છે. જેથી આ તકનો લાભ લઈને બટેટાની વધેલી માંગ સામે સંગ્રહાખોરોએ બજારમાં બટેટાનો પૂરવઠો ઘટાડી દીધો છે. જેના કારણે બટેટાના બજાર ભાવોમાં ૪૦ ટકા સુધીનો વધારો થવા પામ્યો છે.
દેશમાં બટેટાનું સૌથી મોટુ ઉત્પાદન કરતા ઉતર પ્રદેશમાં ચોમાસાના પ્રારંભે પડેલા ભારે વરસાદના કારણે બટેટાના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. જેથી આ વર્ષે ઉતર પ્રદેશનો બટેટાનો પાક મોડો આવવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં દર વર્ષે ૧૫.૫ થી ૧૫.૮ મીલીયન ટન બટેટાનો પાક થાય છે. ઉત્તર પ્રદેશ બાદ પશ્ચિમ બંગાળ બટેટાના ઉત્પાદનમાં બીજા નંબરે છે. ચાલુ વર્ષે બંગાળમાં પડેલા ભારે વરસાદના કારણે બટેટાના પાક ૧.૪ મિલીયન ટન ઓછો થઈને ૮.૬ મિલીયન ટન જેટલો થવાની સંભાવના છે. આ નવો પાક પણ નવેમ્બરમાં આવવાની સંભાવના છે. જેથી બટેટાના સંગ્રહાખોરી કરનારા તત્વોએ આ તકનો લાભ ઉઠાવી લઈને કમાઈ લેવાનો તખ્તો ઘડયો છે.
જે સામે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ સપ્તાહના અંતે બટેટાના હોલસેલર વેપારીઓની એક બેઠક બોલાવી છે. અને આ બેઠકમાં બટેટાના વધતા ભાવોને કાબુમાં લેવા માટે સુચનો મંગાવ્યા છે. આ બેઠક બાદ બંગાળમાં બટેટાના વધેલા ભાવો કંઈક અંશે કાબુમાં આવે તેવી સંભાવના બજારનાં નિષ્ણાંતોએ વ્યકત કરી છે. જોકે, ગુજરાતમાં પણ બટેટાના ભાવોમાં હાલ ભારે વધારો જોવા મળી રહ્યો હોય રાજય સરકાર પણ બટેટાના ભાવોને કાબુમાં રાખવા કાર્યવાહી કરે તેવી માગં ઉઠવા પામી છે.