પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાની કોંગ્રેસને ટકોર
આંતરિક જુથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે તૂટે છે
કોંગ્રેસ સરકારી તંત્રના સંકલન પર આક્ષેપ કરવાને બદલે પોતાના ધારાસભ્યો સાથે સંકલન કરે તો પણ ઘણું છે તેમ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, એકબાજૂ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત તમામ મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને સંસદસભ્યો સહિત સમગ્ર સરકારી તંત્ર કોરોનાની મહામારીમાંથી લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.
ભાજપના બુથથી લઈને પ્રદેશ સ્તર સુધીના સંગઠને અત્યાર સુધીમાં ૧.૬૧ કરોડ ફુડપેકેટ, ૨૨ લાખ પરીવારોને અનાજની કીટ, ૫૪ લાખ માસ્ક, ૧૯ લાખથી વધુ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાનું કામ ભાજપના કાર્યકર્તાઓએ કર્યું છે. એકબાજૂ સરકાર અને ભાજપ લોકોને બચાવવા માટે સેવા કરે છે અને બીજીબાજૂ કોંગ્રેસ માત્ર પોતાના ધારાસભ્યોને જનતા અને મિડીયાથી બચાવવા અને છૂપાવવા ફરી રહી છે. લગભગ ૨-૨ લાખ જનતાના પ્રતિનિધી એવા ધારાસભ્યો પ્રજા અને મિડીયાથી છૂપાવવા અલગ અલગ રીસોર્ટમાં ફરી રહ્યાં છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને ખબર હોવી જોઈએ કે, લોકડાઉનની જાહેરાત સૌથી પહેલાં કોંગ્રેસ શાસિત રાજયના મુખ્યમંત્રીઓએ કરી હતી અને તેની ક્રેડિટ લેવા માટે જાહેરાતો પણ છપાવી હતી અને હવે લોકડાઉનમાં સંદર્ભમાં કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપ કરે છે. તે બિલકુલ યોગ્ય નથી.
કોરોના વોરીયર્સ તરીકે સમગ્ર સરકારી તંત્ર સારૂ કામકાજ કરી રહ્યું છે. તંત્ર સાથે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ તમામ વિભાગોના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટીંગો કરીને સંવાદ, સંકલન અને સમન્વય કરી રહ્યાં છે. અત્યારે પ્રજાનું ધ્યાન બીજે વાળવા માટે ભાજપ પર જૂઠ્ઠા આક્ષેપ ન કરે. કોંગ્રેસ સરકારી તંત્રના સંકલન પર આક્ષેપ કરવાના બદલે પોતાના ધારાસભ્યો સાથે સંકલન કરે તો પણ ઘણું છે.
સમગ્ર સરકારી તંત્ર, પૂ.સંતો-મહંતો, સાહિત્યકારો, કલાકારો, ડોકટર, લેખકો અને મિડીયાના મિત્રો પોઝીટીવ એન્વાર્યમેન્ટ બનાવી રહ્યાં છે, લોકોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તે વખતે કોંગ્રેસ લોકોમાં નિરૂત્સાહ, નિરાશા આવે તેવા કાર્યક્રમો અને નિવેદનો કરી રહી છે તે યોગ્ય નથી. કોંગ્રેસ પોતાના દિશાવિહીન નેતૃત્વ અને ઉમેદવારનો વિરોધ અને આંતરીક જૂથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે તુટી રહી છે. કોંગ્રેસ પોતાની વિચારધારા અને નેતૃત્વની નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ ઉપર ખોટા આક્ષેપ કરવાને બદલે પુન: આત્મમંથન કરે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.