નવા ઈમોજી અને સ્વાઈપ ટુ રિપ્લાય જેવી સુવિધાઓથી ઈન્સ્ટાગ્રામને વધુ લોકઉપયોગી બનાવવા કવાયત
વિશ્વભરમાં ફોટો શેરીંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ખુબજ પ્રચલીત છે. યુવાનો આ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. અમેરિકા, યુરોપ સહિતના ખંડોમાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ હેતુપૂર્ણ થાય છે. પરંતુ ભારતમાં વાત અલગ છે. અધુરામાં પૂરું અબજો રૂપિયા આવક રળવાની અપેક્ષાએ ફેસબુકે વર્ષો પહેલા ઈન્સ્ટાગ્રામ ખરીદ્યુ હતું. વોટ્સએપ પાછળ પણ મસમોટુ મુડી રોકાણ કર્યું હતું. જો કે, આ બન્ને પ્લેટફોર્મ ફેસબુકના કમાઉ દીકરા બની શકયા નથી. ફેસબુકે બન્ને પ્લેટફોર્મથી આવક રળવા અનેકવિધ પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્ન લગભગ નિષ્ફળ સમાન છે. જેથી હવે ફેસબુક ઈન્સ્ટાગ્રામને ખુબ પ્રચલીત ફેસબુક મેસેન્જરના માધ્યમથી જોડવા માંગે છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાંથી હવે મેસેન્જરના પ્લેટફોર્મના માધ્યમથી મેસેજો થઈ શકશે. એક રીતે એમ કહી શકાય કે, બન્ને પ્લેટફોર્મ વચ્ચે મેસેન્જર કડીરૂપ સાબીત થશે.
પ્રાથમિક તબકકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વચ્ચે એક મેસેન્જરના વપરાશનું ચલણ એપલના ડિવાઈસથી શરૂ થશે. ત્યારબાદ આ પદ્ધતિ એન્ડ્રોઈડ ફોનમાં પણ તબક્કાવાર ઉપયોગમાં આવશે. ઈન્સ્ટાગ્રામ ઈમોજીના ફ્યુચરને પણ વધુ તિવ્ર બનાવશે. આ ઉપરાંત સ્વાઈપ કરીને રીપ્લાય આપવાની અપડેટ પણ ટૂંક સમયમાં જોવા મળશે. ફેસબુક ઈન્સ્ટાગ્રામ થકી વધુને વધુ આવક રળવા માંગે છે. અગાઉ પણ ઈન્સ્ટાગ્રામને વધુ લોકપ્રિય બનાવવા માટે ફેસબુકે અનેક પ્રયત્નો કર્યા હતા. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૨માં ઈન્સ્ટાગ્રામે ફેસબુકને ૭૧૫ મીલીયન ડોલરને ખર્ચે ખરીદ્યુ હતું. ત્યારબાદ તેમાં ૧ બીલીયન યુઝર્સ ઉમેરાયા હતા. ગત વર્ષે ફેસબુકની કુલ આવકમાં ત્રીજો ભાગ ઈન્સ્ટાગ્રામે આપ્યો હતો. બન્ને પ્લેટફોર્મ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે ફેસબુકે ઈન્સ્ટાગ્રામ માટે મેસેન્જરને કડી બનાવવાનો નિર્ણય લીધો છે. હવે ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશન ખોલવાની સાથે જ ‘ઈન્સ્ટાગ્રામ ફ્રોમ ફેસબુક’ લખાણ યુઝર્સને જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઈન્સ્ટાગ્રામ અન્ય દેશોની સરખામણીએ વધુ પ્રચલીત નથી. વોટ્સએપના ઉપયોગ પર પણ કેટલાંક સવાલો ઉઠ્યા હતા. વિશ્વસનીયતા ઓછી હોવાના આક્ષેપ થયા હતા. આ ઉપરાંત વોટ્સએપ થકી ફેસબુકને આવક થતી નથી. જેના પરિણામે ફેસબુકને રિલાયન્સમાં ૯ ટકા જેટલો હિસ્સો ખરીદવાની ફરજ પડી હતી અને રિલાયન્સના જિઓ માર્ટ થકી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો હતો. હવે ફેસબુકે ઈન્સ્ટાગ્રામને પણ કમાઉ દિકરો બનાવવા પ્રયત્નો હાથ ધર્યા છે.
ગૂગલ પ્લસને બાય-બાય
વર્ષ ૨૦૧૧માં શરૂ કરેલા સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસને અંતે ગુગલે અલવિદા કહી દીધું છે. ગુગલ પ્લસ ભારતમાં ફેસબુક કે ટ્વીટર જેટલી ઈમ્પેકટ કરી શકયું ન હતું. અન્ય સોશિયલ પ્લેટફોર્મની સરખામણીએ ગુગલ પ્લસમાં સુવિધા ખુબ સારી હતી. પરંતુ લોકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડયું હતું. એક સમય હતો જ્યારે ઓરપુટ સોશિયલ મીડિયામાં રાજ કરતું હતું. આ ઓરપુટને નવા વાઘા પહેરાવી ગુગલ પ્લસ શરૂ કરાયું હતું. ગુગલ પ્લસ સીવાય ગુગલ બઝ અને ગુગલ ફ્રેન્ડ કનેકટ પણ ૨૦૧૧માં જ ખરીદાયું હતું. ત્યારબાદ ડેટા લીક સહિતના આક્ષેપોનો સામનો ગુગલને કરવો પડ્યો હતો.