વડોદરા જિલ્લાના પોઇચા કનોડા ગામે મહી નદીમાં નદીના નળથી પાંચ મીટર ઉંચાઇનો વિયર (આડબંધ)બાંધવામાં આવ્યા અંદાજે 9 કિ.મી. લંબાઇનું નદી જળ સરોવર રચાશે. આ નદી જળ સરોવરથી મહી કાંઠાના 49 ગામોને સિચાઇ અને ભૂગર્ભ જળમાં વૃદ્ધિ થશે કુવા જીવંત થશે તેમ વડોદરાના કાર્યપાલક ઇજનેર પરમારે જણાવ્યું હતું.રાજ્ય સરકારે જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામ નજીક મહી નદીમાં આશીર્વાદ સમાન આડબંધ (વિયર) ના નિર્માણની સિંચાઇ વિભાગની દરખાસ્ત ને 5 મી માર્ચે મંજુરી આપી દીધી છે.અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ બહુવિધ લાભો આપનારા પોઇચા વિયરના નિર્માણની સૂચિત દરખાસ્તને 30 મી જાન્યુઆરીએ મંજુરી આપી હતી.આ વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદાર તેમના ક્ષેત્રને આ પ્રકારના આયોજન નો લાભ મળે તે માટે પ્રયત્નશીલ હતાં,જેમના પ્રયાસને આ મંજુરી થી સફળતા મળી છે.
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને જિલ્લા પ્રશાસન મહી કાંઠાના પ્રવાસધામ લાંછનપુર માં નદીના ધરાને લીધે થતાં ડૂબવાના અકસ્માતોની સમસ્યાના નક્કર ઉકેલની શોધમાં હતા.આ વિયર લોકોની સલામતી ને લગતી આ સુચિંતાનું નિરાકરણ આણશે એવી ઉજળી સંભાવના છે.પોઇચા કનોડા ગામે મહી નદીમાં ,નદીના તળ થી 5 મીટર ઊંચાઇ નો વિયર બાંધતા ઉપરવાસમાં અંદાજે 9 કિમી લંબાઈનું નદી જળ સરોવર રચાઈ શકે તેવી જાણકારી આપતાં વડોદરા સિંચાઇ વર્તુળના કાર્યપાલક ઇજનેર વિઠ્ઠલસિંહ બી.પરમારે જણાવ્યું કે આ આયોજન મહી કાંઠાના સાવલી તાલુકાના 34 ગામો અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 ગામો મળી કુલ 49 ગામોને સિંચાઇ અને ભૂગર્ભ જળ ભંડારમાં વૃદ્ધિ તથા કુવાઓના જીવંતિકરણ ( રિચાર્જ) ના લાભો આપી શકે છે.આમ,આ મોટો આડબંધ આશીર્વાદ નો આડબંધ બને તેવી ઉજ્જવળ શક્યતાઓ છે.રાજ્ય સરકાર દ્વારા તેના નિર્માણ માટે અંદાજે રૂ. 308.43 કરોડ કરતાં વધુ રકમના સૂચિત ખર્ચને અનુમોદન આપ્યું છે.તેના પગલે સૂચિત સ્થળે મહી નદીમાં પાયાની ચકાસણી માટે ડ્રીલિંગ કરી,તેના આધારે આ સ્ટ્રકચરની ફાઇનલ ડીઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.અગાઉ પ્રાથમિક આલેખન કરવામાં આવ્યું હતું જેના આધારે મંજુરી મળી છે.આ આયોજન થી નદીના બંને કાંઠે 4 કિમી થી વધુ પહોળાઈ માં ભૂગર્ભ જળ ભંડાર વધશે.તેનાથી સીધી અને આડકતરી રીતે 7200 હેકટર જેટલી જમીનને સિંચાઇ ની સુવિધા મળતા ખેતી સુધરશે.
સિંચાઇ વિભાગ આ વિયર થી 49 જેટલા ગામોના 400 થી વધુ કૂવા જીવંત થવાની આશા સેવે છે જેનો ખેતીને લાભ મળશે.મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહિત થશે અને પશુપાલન ને વેગ મળશે.આ ઉપરાંત સાવલી નગર અને આસપાસના 40 જેટલા ગામોની 50 હજાર જેટલી વસ્તી માટે અને ઉદ્યોગોમાં વપરાશ માટે પીવાના પાણીની યોજના બનાવી શકાશે.તેના થી અંદાજે 38.50 લાખ ચોરસ મીટરનું જળ સરોવર રચાઈ શકે છે.આ વિયર ના સ્થળની ઉપરવાસમાં લાંછનપુર ગામ આવેલું છે જે નદી પ્રવાસન ધામ તરીકે યુવા સમુદાયમાં ખૂબ પ્રિય છે.જો કે કમનસીબે નદીમાં આવેલા સીધી ધાર ના ઊંડા ધરાને લીધે આ સ્થળ જીવલેણ બન્યું છે અને છેલ્લા થોડા વર્ષોમાં આંધળું સાહસ ખેડનારા 110 જેટલાં પ્રવાસીઓ એ જીવ ગુમાવ્યો છે.ધરાને પૂરવાનો મોટો ખર્ચ કરવામાં આવે તો પણ આ જગ્યા સલામત બની શકે તેમ નથી.ત્યારે આ વિયર થી બંને કાંઠે પાણી નો ભરાવો થતાં આ ધરો નદીના મધ્યમાં આવી જશે અને કાંઠા થી ત્યાં સુધી પહોંચવું અઘરું બનશે.જેથી ડૂબવાના અકસ્માતો આપોઆપ ખૂબ ઘટી જાય અને સમસ્યા ઉકલે એવી આશા સેવાય છે.આ પ્રકારના મોટા આડબંન્ધો અગાઉ નર્મદા પર ગરુડેશ્વર ખાતે અને મહી પર વણાકબોરી ખાતે બાંધવામાં આવ્યાં છે.કાર્યપાલક ઇજનેર વિઠ્ઠલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ 2018 ની મધ્યમાં વડોદરા સિંચાઇ વિભાગ દ્વારા આ સૂચિત વિયરની દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરમારે ભૂતકાળમાં જિલ્લાના મોટા ફોફળિયા ગામને,રાષ્ટ્રપતિ પદક વિજેતા રાજ્યના પ્રથમ નિર્મળ ગામ બનાવવા માં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ધારાસભ્ય કેતન ઈનામદારે આ સૂચિત આયોજન માટે સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અરવિંદ કાનાણી અને ટીમ વડોદરાની સરાહના કરી છે તેમ પરમારે જણાવ્યું હતું.