૩૦ વર્ષથી કૃષિ સાથે સંકળાયેલા ઠેબચડા ગામના ગીતાબેન ચૌહાણનું મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સન્માન
રાજય સરકાર વિકાસની પરિભાષાને સાર્થક કરવા માટે ગતિશીલ પગલે આગળ વધી રહી છે. કોરોનાના કહેર વચ્ચે પણ લોક કલ્યાણ કાર્યોની ગતિ ન થંભે તે માટે પુરી સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજયનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમિયાન જુદા-જુદા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજકોટ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૬મી ઓગસ્ટને મહિલા કૃષિ દિવસ તરીકે ઉજવીને મહિલાઓને કૃષિ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા પુરી પાડી હતી.
શકિતસ્વરૂપા કહેવાતી નારી જાતિ ધારે તો શું નથી કરી શકતી. એવા જ રાજકોટ જિલ્લાના ઠેબચડા ગામના શકિતસ્વરૂપા ગીતાબેન ચૌહાણે કૃષિ ક્ષેત્રે આગવું કાઠુ કાઢયું છે.
મહિલા કૃષિ દિવસ પર અન્ય માટે પ્રેરણારૂપ બનતા ગીતાબેન છેલ્લા ૩૦ વર્ષથી બાગાયતી ખેતી કરી રહ્યા છે. ફળોના બગીચામાં કુદરતી ખાતર, બિયારણો અને ફળો માટે અસરકારક સિંચાઈ પઘ્ધતિ વિકસાવીને સારા ઉત્પાદન માટે આર્થિક રીતે પગભર બન્યા છે. કૃષિ ક્ષેત્રની ગીતાબેનની ઉત્કૃષટ કામગીરી બદલ મહિલા કૃષિ દિવસ પર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓએ તેમની મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં ગીતાબેનની આ કામગીરી અન્ય કૃષિ મહિલાઓ સુધી પહોંચે તેવા પ્રયાસો પણ કચેરી દ્વારા કરવામાં આવ્યા છે.