હિંદુ ધર્મમાં જન્મેલ બાળક છ દિવસનો થાય ત્યારે તેના નામકરણની વિધિ થાય અને તેમાં તેના ફૈબા નામ આપે છે, જેને બાળકની છઠ્ઠીની વિધિ ઉજવી કહેવાય છે, ત્યારે જેતપુરના યુવાન રાકેશભાઈ લાખાણી(પત્રકાર)એ પોતાને ત્યાં પુત્રના જન્મ પ્રસંગે રાખેલ છઠ્ઠીના પ્રસંગને પ્રાચીન પરંપરા જાળવીને સાથે સાથે પર્યાવરણને જાડીને આ પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો.
પત્રકાર રાકેશભાઇ પ્રવિણભાઇ લાખાણીના ઘરે પુત્ર જન્મનો અવસર આવ્યો છે, ત્યારે આ પુત્રને જન્મ આપનારી એક માં એટલે એક નારી અને તે પણ ભારતીય નારી.. કે જે વડસાવીત્રી, આંબડાનોમ, સોમવતી અમાસના દિવસે વૃક્ષોની પૂજા કરે છે, જ્યારે ગુરૂવારે કેળ અને પીપળાના વૃક્ષને જળસિંચન કરે છે. ખાસ કરીને ભારતીય નારી રોજ તુલસીજીના છોડને દરરોજ પાણી આપી તેનું જતન કરે છે. આમ વર્ષોથીયા ભારતીય નારી પર્યાવરણનું રક્ષણ કરતી આવી છે, ત્યારે આ વાતને ખાસ ધ્યાને લઈ રાકેશભાઇએ આજે તેમના ઘરે પુત્ર વધામણીના છઠ્ઠીના દિવસનો રૂડો પ્રસંગ નિમીતે આવનારી દરેક નારીઓને તુલસીજીની ભેટ આપીને પ્રાચીન પરંપરા જાળવી સાથે પર્યાવરણને પણ જોડી પર્યાવરણ બચાવોનો સંદેશો આપેલ હતો.