કોરોના મહામારીમાં પ્લાઝમાં ડોનેશન માટે લોક જાગૃતિ અત્યંત જરૂરી
હાલ કોરોનાની મહામારી જે રીતે વધી રહી છે ત્યારે પ્લાઝમાં ડોનેટ માટે લોકોમાં જાગૃતિ આવે તે પણ ખૂબ જ જરૂરી છે.અવારનવાર કલેક્ટર તંત્ર દ્વારા પણ લોકોને પ્લાઝમાં ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવે છે ત્યારે જે લોકો કોરોના પોઝિટિવ માંથી નેગેટિવ થયેલ છે તેવા તમામ વ્યક્તિઓ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. રાજકોટ શહેરની વ્રજભૂમિ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતા સાગર ચૌહાણ દ્વારા ગુજરાતના તમામ યુવાનોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવામાં આવેલ છે. શહેરના માર્કેટ યાર્ડ પાસે આવેલ બાલકૃષ્ણ સોસાઈટીમાં રહેતા શિક્ષક સાગર ચૌહાણે 7 મી વાર પ્લાઝમાં ડોનેટ કરીને લાખો યુવાનોને પ્રેરણા આપી છે.ગત 9 નવેમ્બરના રોજ પ્રથમ વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ 29 વર્ષીય સાગરે પોતાના એન્ટી બોડી અન્ય દર્દીઓને આપી શક્ય હશે તેટલી વાર જીંદગી બચાવવાનો નિર્ણય કર્યો છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં સાગર ચૌહાણે જણાવ્યું હતું કે “જે વ્યક્તિ નો જીવ બચે તે બીજાને બચાવે”.આ સૂત્ર તમામ યુવાનોએ અપનાવવું જોઈએ.વધુમાં યુવા શિક્ષકે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમનામાં એન્ટી બોડી છે ત્યાં સુધી તે પ્લાઝમાં ડોનેટ કરશે.