સ્વયંનો આત્મવિશ્ર્વાસ જ સાધનાના વિકાસનું કારણ બને છે: નમ્રમુનિ
વયને વયને સત પ્રેરણાનો સ્ત્રોત વહાવીને જેઓ હજારો આત્માઓને સન્માર્ગ તરફ દોરી જઇ રહ્યા છે. એવા રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામના આંગણે આયોજીત વર્ષીતપ પારણા મહોત્સવ આનંદ-ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.
રાષ્ટ્રસંત પૂજયશ્રીની પ્રેરણાથી કાંદિવલી, ભાવનગર, જલગાંવ આદિ અનેક ક્ષેત્રોના ૩૦થી વધુ ભાવિકોની આરાધનાની પૂર્ણાહુતિ સ્વ‚પ આ પારણા મહોત્સવમાં તપસ્વી ભાવિકોના ભાલ પર તિલક કરીને એમને ઇક્ષુરસથી પારણા કરાવવામાં આવતાં સર્વત્ર મંગલતા છવાઇ હતી.
આરાધકોની અનુમોદના કરીને બોધ વહાવતાં કહ્યું હતું કે ક્ષેત્ર ચારે સાધનાનું હોય કે બીજું કોઇ પરંતુ એમાં પુરુષાર્થ, મહેનત અને સ્વયના તન-મન અને ધન રેડાયા પછી મળતી સફળતા હંમેશા ચિરસ્થાયી બની જતી હોય છે. સાધના ચાહે નાની હોય કે મોટી પરંતુ એ કયારેય કસોટી વિનાની નથી હોતી અને એવા સમયે જે અડગ રહી શકે છે અંતે એની સાધના સાર્થક બની જતી હોય છે. ગમે એવી તકલીફોમાં પણ જે આત્મવિશ્ર્વાસપૂર્વક મકકમ રહે છે એ જ સાધનાને પૂર્ણ કરીને વિકાસ સાધી શકે છે. આપણે હંમેશા સુખી થવાના પ્રયત્નમાં લાગેલા રહીએ છીએ જયારે કે મહાપુરુષો હંમેશા દુ:ખમાં જ સુખની અનુભૂતિ કરતાં હોય છે અને દુ:ખ જેને સ્વીકાર્ય હોય છે એને દુનિયા કયારેય દુ:ખી કરી જ નથી શકતી. દુનિયા એને જ દુ:ખી કરી શકતી હોય છે. જેઓ સુખ પામવાના પ્રયત્નમાં લાગેલા હોય છે.
આ અવસરે શ્રી ઝાલાવાડી સમાજના સી.વી.શાહ, મનીષાબન શાહ અને અનિલભાઇ સંઘવી જેવા અગ્રણી મહાનુભાવોએ પોતાના વકતવ્ય દ્વારા સ્વયંની સમાજ સેવાની ભાવના વ્યકત કરીને રાષ્ટ્રસંત એ ઝાલાવાડ સમાજ પર કરેલા ઉપકારની અભિવ્યકિત કરીને અહોભાવથી આભાર પ્રદર્શીત કર્યો હતો.પાવનધામના સેવાભાવી પ્રિતીબેન બાવીશી સંકલીત સમાધાનથી સમાધિ પુસ્તિકાનું વિમોચન આ અવસરે મનીષાબેન શાહ અને વર્ષીતય આરાધિકા સ્વીટીબેન ભાયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તપશ્ર્ચર્યા અને તપસ્વીભાવિકોની અનુમોદન સ્વ‚પ આ પાવન અવસરે શ્રી બોરીવલી મોટા સંઘ, રી કાંદિવલી મોટા સંઘ, શ્રી યોગીનગર સંઘ, શ્રી દહાણુકરવાડી સંઘ, શ્રીમલાડ સંઘ તેમજ શ્રી પારસધામ સંઘ આદિ ભકિતભાવે ઉપસ્થિત રહ્યા હતા.