ફિકસ પગારદાર જૂનિયર નિરીક્ષકને પાંચ વર્ષ પૂરા કરે તે પહેલા જ લાંચ લેવાનું શરૂ કરી દીધું
ઈલેકટ્રીક કાંટા અને વે બ્રીજ રિપેરીંગના કમિશનના બિલ મજૂર કરવાની અવેજમાં તોલમાપ ખાતાના જૂનિયર નિરીક્ષકે રૂ.૩૦ હજારની લાંચ માંગી હતી અને લાંચની રકમ સ્વીકારતા જ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.
શહેરનાં જંકશન પ્લોટ વિસ્તારની કોલસાવાડીમાં દુકાન ધરાવતા અને વજન કાંટા તથા વે-બ્રિજ રિપેરીંગનું માન્ય લાયસન્સ ધરાવતા કર્મીએ તેમણે કરેલી કામગીરીનાં બિલ ત્રિકોણબાગ નજીક ભાવનગરના ઉતારામાં આવેલી કાનૂની માપ વિજ્ઞાન (તોલમાપ) અને ગ્રાહક સુરક્ષાની કચેરીમાં રજૂ કર્યા હતા. બિલ તપાસણી અને તેને મંજૂરી માટે આગળ મોકલવાની જવાબદારી કચેરીનાં જૂનિયર નિરીક્ષક મહેન્દ્ર ભગવાન પ્રજાપતિ પાસે આવી હતી.
મહેન્દ્ર પ્રજાપતિએ બિલ મજૂર કરવાની અવેજમાં રૂ.૩૦ હજાર માંગ્યા હતા. જૂનિયર નિરીક્ષકની લાંચિયાવૃત્તિથી ત્રસ્ત બનેલા અરજદારે એસીબીમાં જાણ કરી હતી એસીબી દ્વારા છટકૂ ગોઠવાયું હતુ જુનિયર નિરીક્ષક નકકી થયા મુજબ ગૂરૂવારે બપોરે કોલસાવાડીમાં આવેલી અરજદારની દુકાને ગયો હતો.
અને રૂ૩૦ હજારની લાંચની રકમ અરજદાર પાસેથી લેતા જ એસીબીનાં પીઆઈ સુરેજા સહિતના સ્ટાફે તેને રંગે હાથ ઝડપી લીધો હતો.
પીઆઈ સુરેજાએ જણાવ્યું હતુ કે, માન્ય વ્યકિત દ્વારા વજન કાંટા અને વે બ્રિજ રિપેરિંગના એક કાંટે રૂ.૧૦૦ મળતા હોય છે બે ત્રણ મહિને તેમના દ્વારા બિલ મૂકવામાં આવતા હોય છે. પંદર દિવસ પૂર્વે પણ જૂનિયર નિરીક્ષકે અરજદાર પાસેથી રૂ.૨૦ હજાર પડાવ્યા હતા અને વધુ રૂ.૩૦ હજારની માંગ કરતા અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો.એસીબીની ટીમ દ્વારા મહેન્દ્ર પ્રજાપતિના ઘરે પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.