સ્ટ્રોંગ રૂમની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી તેમજ સમગ્ર વ્યવસ્થાની સમિક્ષા કરાય
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની ટીમે આજે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇ.વી.એમ રીસીવિંગ સેન્ટરના સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લઈને સલામતી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
8મી ડિસેમ્બરે મત ગણતરીના દિવસે સમગ્ર કામગીરી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
જ્યારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમગ્ર કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગોઠવાયેલી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ કચાસ ન રહી જાય તે જોવા સુરક્ષા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. આ તકે ઓર્બ્ઝવર નિલમ મીણા અને સુશીલ કુમાર પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનરસૌરભ તોલંબિયા, નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, અધિક ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર વગેરે સાથે રહ્યા હતા.
જિલ્લાની 8 બેઠકોના ઈ.વી.એમ. કણકોટ એન્જીન્યરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ
ગત રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ વિધાનસભાની 8 બેઠકોના ઈ..વી.એમ. તેમજ વી.વી.પેટ. ની રીસીવિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે રાજકોટ નજીક કણકોટ સ્થિત એન્જીન્યરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ગોઠવી રૂમને સીલ મારી સુરક્ષિત રાખવામાં આવ્યા છે.