સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે તેને અંતર્ગત કોલેજોમાં જોડાણનું ઇન્સ્પેક્શન ઓનલાઈન કરશે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ કોલેજોને પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે અને યુનિવર્સિટીએ બનાવેલી સિસ્ટમમાં જોડાણ સંબંધિત ડેટા ઓનલાઈન સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ યુનિવર્સિટી સ્થાનિક તપાસ કમિટી બનાવશે જે ઓનલાઈન ઇન્સ્પેક્શન કરશે. આ માટે દરેક કોલેજોએ સીસીટીવી ફરજિયાત રાખવા યુનિવર્સિટીએ જણાવ્યું છે, આ જોડાણના ઇન્સ્પેક્શનની સિસ્ટમ કેટલી સફળ અને ઉપયોગી નીવડે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.
વહીવટી બિનજરૂરી ખર્ચના ભારણમાં ઘટાડો થાય તથા સંબંધિત પ્રક્રિયા ઝડપી અને પેપરલેસ થાય તે હેતુથી લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, યુનિવર્સિટી દ્વારા નિર્ણય મંજૂરી પ્રક્રિયા ત્વરિત થાય અને સાથોસાથ વહીવટી બિનજરૂરી ખર્ચના ભારણમાં ઘટાડો થાય તથા સંબંધિત પ્રક્રિયા ઝડપી અને પેપરલેસ થાય તે હેતુથી જોડાણ વિભાગ અંતર્ગત આવતી યુ.જી. કોલેજોની જોડાણ વિષયક તમામ બાબતોની ઇઆરપી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. વર્ષ 2024-25થી સંબંધિત તમામ કોલેજોએ જોડાણ વિષયક અરજી સોફ્ટવેર મારફત કરવાની થાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઊભી કરવામાં આવેલ વ્યવસ્થા મુજબ સંબંધિત કોલેજોનું ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવશે.
ઓનલાઈન ઇન્સ્પેક્શનની તારીખ અને સમય અંગે સંબંધિત કોલેજને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી, મોબાઈલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાણ કરવામાં આવશે. સ્થાનિક તપાસ સમિતિ દ્વારા ઓનલાઈન ઇન્સ્પેક્શન થઇ શકે તે હેતુથી સંબંધિત કોલેજે પોતાના કેમ્પસમાં સીસીટીવી કેમેરા, કમ્પ્યૂટર સિસ્ટમ વગેરેની તમામ આનુષાંગિક વ્યવસ્થા કરવાની રહેશે.