વર્લ્ડ રેકોર્ડઝ ઓફ ઇન્ડિયા, જીનીયસ ફાઉન્ડેશનના સર્વેમાં રેકોર્ડની નોંધણી: જી.ટી.શેઠ હાઇસ્કુલ કે.કે.વી. ચોકમાં મેયર બિનાબેન આચાર્ય તથા કોટેચા ચોક વિસ્તારમાં અંજલીબેન રૂપાણીની વિશેષ ઉપસ્થિત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર શહેરને આવરી લેતું એક સઘન સફાઈ અભિયાન યોજાયું હતું. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. આ આયોજન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ બહોળી સંખ્યામાં બહેનો અભિયાનમાં જોડાઈ રેકોર્ડ નોંધાવ્યો હતો. જી.ટી.શેઠ હાઇસ્કુલ કે.કે.વી. ચોકમાં મેયર બિનાબેન આચાર્ય તથા કોટેચા ચોક વિસ્તારમાં અંજલીબેન રૂપાણીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોક ખાતે ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ ખાતે ભૂતપૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ગોવિંદ બાગ શાકમાર્કેટ ખાતે નયનાબેન પેઢડીયા અને જયુબેલી રોડ. નાગરિક બેંક ચોક ખાતે કાશ્મીરાબેને ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે, કલેકટર ઓફીસ, બહુમાળી ભવન, પીજીવીસીએલ, પોલીસ કમિશનર કચેરી વિગેરેના મહિલા કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.
મેયર બિનાબેન આચાર્યે જણાવ્યું હતું. કે, આપણા ઘર સ્વચ્છ અને સુંદર રાખવામાં બહેનોની જ મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે જો બહેનો ધારે તો સમગ્ર શહેર પણ સ્વચ્છ અને સુઘડ રાખવામાં અને તે માટેની જનજાગૃતિ કેળવવામાં પણ મહત્વનો ભાગ બજવી શકે એમ છે. થોડા સમય પૂર્વે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની નંબર વન કેમ ણા બની શકે? તેમની આ ટકોર બાદ રાજકોટ શહેરે સ્વચ્છતા ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી છે અને અત્યારે આપણે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયા છીએ ત્યારે હવે રાજકોટને નંબર વન બનવા આડે માત્ર એક જ કદમની દુરી છે. આપણે એવું કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે, જ્યાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મી અને પ્રભુનો વાસ. રાજકોટમાં કાયમ માટે લક્ષ્મીજી અને પ્રભુનો વાસ બની રહે તે માટે સૌ બહેનો સમગ્ર રાજકોટ શહેરને વધુ ને વધુ જાગૃત કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. હવે રાજકોટ શહેરનો લક્ષ્યાંક દેશમાં નંબર વન બનવાનો છે અને બહેનો સમગ્ર રાજકોટને આ મેગા અભિયાનમાં જોડીને એ લક્ષ્યાંક હાંસલ કરશે એવી મને શ્રધ્ધા છે.
ઉદીત અગરવાલ રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નરએ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, મહિલાઓ દ્વારા મેગા સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં ૧૦,૦૦૦ જેટલી મહિલાઓ જોડાઈ છે. આ સફાઈ અભિયાન થકી સ્વચ્છતા એ આપણી પોતાની જવાબદારી છે લોકોએ પણ આમાં જોડાવું જોઈએ અમે વિવિધ રીતે સફાઈ અભિયાન કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓને જોડતા હોઈએ છીએ આ વખતે મહિલાઓને જોડી છે. આપનાર સમયમાં ભાઈઓને પણ જોડશું અને એક દિવસ આપણે બધા લોકો સંયુકત થઈને સફાઈ અભીયાત કરશું.
અંજલીબેન રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ મ્યુંનિ. કોર્પો.ની સ્વચ્છતામાં બીજો નંબર આવ્યો છે. ત્યારે પ્રથમ આવવા માટેની આ એક સ્વચ્છતાની ઝુબેશ બહેનો દ્વારા,કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હંમેશા બહેનો સ્વચ્છતાની બ્રાન્ડ એમ્બેસેડર અને એવો પ્રયત્ન અમારો રહ્યો છે. લોકોને પણ ચાલુ વર્ષે સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા માટે અપીલ કરવામા આવી છે.
બધાને એવીટેવ હોય છે કે મારૂ આંગણુ સ્વચ્છ રહેવું જોઈએ બીજાનું જેવું હોય એવું પણ આ ઝુંબેશ દ્વારા આખી દુનીયાને દેખાડવા માંગીએ છીએ કે ફકત મારૂ આંગણું જ નહી પણ પાડોસીનું અને સમગ્ર રાજકોટ સ્વચ્છ કરીને જ ઝંપીશુ અને આવનારા વર્ષોમાં રાજકોટ સ્વચ્છ રહે તેવી ઝુંબેશ પ્રતિપાદીત કરવા માંગીએ છીએ.