ઠંડીની સીઝનમાં લોકોના લોહી ઉકડ્યા
સુરત, અમદાવાદ, ગોંડલ, રાજકોટ, વિરમગામ અને ચોટીલામાં નજીવી બાબતે કરપીણ હત્યા
ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાંજકવાદ નાબૂદી માટે આવકાર્ય અભિયાન છેડવામાં આવ્યું છે. તો બીજી તરફ પોલીસ તંત્ર લોકોના જાનમાલની સુરક્ષા કરવામાં નિષ્ફળ ઠર્યું છે. રાજ્યમાં માત્ર ૪૮ કલાકમાં જ સુરત, અમદાવાદ, ગોંડલ, રાજકોટ, વિરમગામ અને ચોટીલામાં ૧૫ વ્યક્તિઓની કરપીણ હત્યા થતા ગુજરાત અસલામત બન્યું છે.
ગુજરાતમાં ૨૦૨૩ વર્ષની શરૂઆતની સાથે જ ગુનાખોરીનો વ્યાપ બેફામ વધ્યો છે. એક તરફ પોલીસ વ્યાંજકવાદ નાબૂદ કરવા માટે મથી રહી છે તો બીજી તરફ શરીર સબંધને લગતા ગુનાઓમાં બેફામ વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં જ રાજ્યમાં ૧૫ લોકોની હત્યા થતા જાણે પોલીસનો ખોફ વિસર્યો હોય તેવું લાગી રહ્યું છે.
જેમાં વિરમગામમાં વોર્ડ -૨ના કોર્પોરેટરોના સોનલબેન ગામોતના પતિ હર્ષ ગામોતની સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ નગરપાલિકાની ચૂંટણીની ચાલતી અદાવતમાં ભાજપના જ કાર્યકરે કોર્પોરેટરોના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
આ બનાવોની મળતી વિગતો મુજબ ગૃહમંત્રી હર્ષ સંઘવીના વિસ્તાર સુરતમાં છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં ડિંડોલી, વિમલનાથ સોસાયટી અને લિંબાયત વિસ્તારમાં હત્યા થઈ છે. જ્યારે રાજ્યના મેગાસિટી અમદાવાદમાં પણ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં બાપુનગર, નિકોલ અને વાસણા વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓની લોથ ઢળી છે. રાજકોટમાં ગોંડલ રોડ પર પણ એક હત્યાનો બનાવ નોંધાયો છે. જ્યારે વડોદરામાં બાપોદ ગામે પણ એક મર્ડરની ઘટના સામે આવી છે.
મહાનગર સિવાય તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ હત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગરમાં લાલપુર બાયપાસ નજીક એક અને પસાયા બેરાજા ગામની સીમમાં પણ હત્યા થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. ગોંડલ પંથકમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં શિવરાજગઢ ગામે અને ધુડસિયા ગામમાં બે લોકોની હત્યા થઈ હતી. જ્યારે સુરેન્દ્રનગર પંથકમાં પણ બે હત્યાના બનાવ નોંધાયા છે. જેમાં ૮૦ ફૂટ રિંગરોડ પર અને ચોટીલામાં બે વ્યક્તિઓની લોથ ઢળી છે.
ગુજરાતમાં હત્યાના બનાવ
- સુરત ૩
- અમદાવાદ ૩
- જામનગર ૨
- ગોંડલ ૨
- વડોદરા ૧
- રાજકોટ ૧
- ચોટીલા ૧
- સુરેન્દ્રનગર ૧
- વિરમગામ ૧