લોકડાઉનના કારણે અર્થતંત્ર માંદગીના બિછાને પહોંચી જવાથી અખબારી ઉદ્યોગને રૂ. ૧૫૦૦૦ કરોડના નુકશાનની સંભાવના
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને ભારતમાં ફેલાતું રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન સમગ્ર દેશ થંભી જવા પામ્યો હોય મોટાભાગના ધંધા વ્યવસાયોને ભારે નુકશાની થવા પામી છે. તેમાં અખબારી ઉદ્યોગ પણ બાકાત નથી લોકડાઉન દરમ્યાન અખબારોને મળતી ખાનગી કંપનીની જાહેર ખબરો નહિવત થઈ જવા પામી છે. જેના કારણે લોકડાઉનના આ બે માસ જેટલા સમયગાળામાં દેશના અખબારી જગતને ૪૫૦૦ કરોડ રૂા.ની નુકશાની થવા પામી છે. અખબારી જગત પર થયેલી લોકડાઉનની આ અસર હજુ છ માસ સુધી રહેવાની સંભાવના હોય આ ઉદ્યોગને ૧૫૦૦૦ કરોડ રૂા.ની નુકશાની સંભાવના સેવાય રહી છે. જેથીઈન્ડીયન ન્યુઝપેપર સોસાયટીએ અખબાર જગતને જીવતુ રાખવા સરકાર પાસે વિવિધ રાહતોની હિમાયત કરી છે.
દેશભરનાં ૮૦૦ અખબારોનું પ્રતિનિધિત્વ કરતી ઈન્ડીયન ન્યુઝપેપર સોસાયટી દ્વારા સરકારને કરેલા અનુરોધમાં જણાવ્યુંં છે કે લોકડાઉનના કારણે છેલ્લા બે માસમાં અર્થતંત્ર માંદગીના બિછાને પડયું છે. જેના કારણે અખબારોને ચલાવવાનું મુખ્ય માધ્યમ એવી ખાનગી જાહેરખબરો પણ નહિવત્ થઈ જવા પામી છે. જેના કારણે આર્થિક સંકડામણ અનુભવતા અનેક નાના અને મધ્યમ અખબારો બંધ થઈ જવા પામ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદ પણ બજારને સ્થિર થતા આશરે છ માસ જેવો સમય લાગવાની સંભાવના છે. જેથી અખબારી જગતને આ મુશ્કેલી હજુ છ માસ જેટલા સમય સુધી ભોગવવી પડશે. જેથી સરકારે અન્ય ઉદ્યોગોની જેમ અખબારી ઉદ્યોગ માટે પણ પ્રોત્સાહક પેકેજ જાહેર કરવું જરૂરી છે.
અખબારી ઉદ્યોગ સાથે સીધા ૧૦ લાખ, જયારે આડકતરી રીતે ૨૦ લાખ પરિવારો જોડાયેલા
આઈએનએસના પ્રમુખ શૈલેષ ગુપ્તાએ સરકારને પત્ર લખીને અખબારી જગતને જીવતું રાખવા અન્ય ઉદ્યોગની જેમ પ્રોત્સાહક પેકેજ આપવા અનુરોધ કર્યો છે.આ પેકેજમાં ન્યુઝપ્રિન્ટ પર રહેલી ૫ ટકાની આયાત ડયુટી બે વર્ષ માફ કરવા સરકારી જાહેરખબરોને ડબલ કરીને ભાવોમાં ૫૦ ટકાનો વધારો સહિતની વિવિધ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અખબારી ઉદ્યોગ સાથે દેશના ૧૦ લાખ પરિવારો સીધા જયારે ૨૦ લાખ પરિવારો આડકતરી રીતે જોડાયેલા છે. અખબારી જગત મુશ્કેલીમાં આવી જવાથી આ પરિવારોની રોજીરોટી પણ છીનવાય જવાની સંભાવના ઉભી થવા પામી છે.