હત્યાનો ભેદ ઉકેલવા ૮૦થી વધુ નિવેદન પોલીસે નોંધ્યા: ઘટના સ્થળથી ૭૦ કીમી વિસ્તારના મોબાઇલ લોકેશનની તપાસ

કચ્છના અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની સયાજીનગરી ટ્રેનમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. કચ્છના મોટા ઉદ્યોગપતિ અને મુંબઇ સ્થાયી થયેલા જયંતીભાઇ ઠક્કર સહિત ૮૦ થી વધુ વ્યક્તિની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા છે. હત્યાનો ભેદ ઉકેલી શકાય તેવી પોલીસને મહત્વની કડી પ્રાપ્ત થઇ ન હતી.

જયંતીભાઇ ભાનુશાળીના ભત્રીજાએ ગાંધીધામ રેલવે પોલીસમાં હત્યા અંગેની છબીલ પટેલ, મનિષા ગૌસ્વામી, સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. જયંતીભાઇ ભાનુશાળીને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે રાજકીય અદાવત ચાલતી હોવાથી હત્યા છબીલ પટેલના ઇશારે કરાયાની શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે.

ત્યારે પોલીસની બીજી ટીમ અન્ય દિશામાં તપાસ કરી છે હત્યારાઓએ જનરલ ટિકિટ લઇ એચ-૧ એસી કોચમાં પહોચી ફાયરિંગ કરી જયંતીભાઇ ભાનુશાળીને ઠાર કર્યાની શંકા વ્યક્તિ થઇ રહી છે આમ છતાં ટીસી સાથે સેટીંગ કરી હત્યારા એસી કોચમાં મુસાફરી કરી હત્યાના કાવતરાને અંજામ આપ્યો હોવાની શંકા સાથે પોલીસે ટીસીની પૂછપરછ કરી હતી.

કચ્છ અને મુંબઇમાં મોટા ગજાના ઉદ્યોગપતિ જયંતીભાઇ ઠક્કર સહિત ૮૦થી વધુ નિવેદન નોંધ્યા છે. તેમજ હત્યા સ્થળથી ૭૦ કીમી વિસ્તારના હત્યા સમય નજીકના ટાઇમનું મોબાઇલ લોકેશન મેળવી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસને હજી સુધી હત્યાનો ભેદ ઉકેલાય તેવો નક્કર પુરાવો મળ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.