આલાપ રોયલ પામના પાર્કિગમાં રમતી વેળાએ બાળક પર કાળ બની કાર ત્રાટકી
મોરબીના નાયબ મામલતદારના માસુમ પુત્રનું રાજકોટમાં તેના ઘર આલાપ રોયલ પામનાં પાર્કિગમાં કાર નીચે ચગદાતા મોત નિપજયાનું ઘટના પોલીસ મથકમાં નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલ પામમાં રહેતા મેહુલ મગન હિરાણીના ત્રણ વર્ષના માસૂમ પુત્ર શ્યામ હિરાણીનું કાર નીચે ચગદાતા કરુણ મોત નિપજ્યું છે.
ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક શ્યામ હિરાણીના પિતા મેહુલ મગન હિરાણી મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજ રોજ સવારે જ્યારે તેમનો માસુમ પુત્ર શ્યામ સોસાયટીના પાર્કિગમાં રમી રહ્યો હતો ત્યારે કાળ બનીને ત્રાટકેલી જીજે 03 એમએચ 4777 ગાડી નંબરના ચાલક કિશન રામજી સાવલિયા માસુમ બાળકને કારના વ્હીલ નીચે નાખતા માસુમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.રાજકોટ તાલુકા પોલીસ મથક નાસ્તા આપે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટનાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસમાંથી મળતી વધુ વિગત મુજબ માસુમ મૃતક બાળક શ્યામ હીરાણી બાલમંદિરમાં જતો હોવાનું અને નાયબ મામલતદારને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.