6 માસ પૂર્વે હોટેલમાં માતાની બેદરકારીથી એક બાળકીએ જીવ ગુમાવ્યો’તો

અબતક, રાજકોટ
શહેરના ગોંડલ રોડ આવેલી પાઇનવીટા હોટેલમાં વધુ એક દુર્ધટના સામે આવી છે. જેમાં હોટેલના રૂમની બારીમાંથી નીચે પટકાતાં અઢી વર્ષની માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હોવાની ઘટના સામે આવી છે. આજ હોટેલમાં છ માસ પૂર્વે માતાની બેદરકારીના કારણે એક માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં પણ હાલ હોટેલની બારીમાં ગ્રીલ ન નાંખતા આજરોજ વધુ એક દુર્ધટના સર્જાઇ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલી પાઇનવીટા હોટેલમાં ચાલી રહેલા લગ્નપ્રસંગમાં જમણવાર માટે અનેક મહેમાનો આવ્યા હતા. લગ્નપ્રસંગ માણતા પરિવારોએ પાઇનવીટા હોટેલમાં રૂમ પણ ભાડે રાખ્યા હતા. જેમાં ત્રીજા માળે એક રૂમમાં રહેલા પરિવારના સભ્યોમાંથી અઢી વર્ષની માસૂમ બાળકી બારી પાસે રમી રહી હતી. તે દરમ્યાન કોઇ કારણોસર આ બાળકી બારીમાંથી નીચે પટકાતાં ચકચારી મચી ગઇ હતી.

ત્રીજા માળેથી પટકાયેલી અઢી વર્ષની માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેણીને લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાના પગલે લગ્નપ્રસંગ માણી રહેલા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

છ માસ પહેલા પણ આજ પાઇનવીટા હોટેલમાં આવી જ એક દુર્ધટનામાં એક બાળકીનો જીવ ગયો હતો. જેમાં માતાની બેદરકારીના કારણે એક માસૂમ બાળકી બારીમાંથી પટકાઇ હતી. નીચે પટકાતાં જ તે માસૂમ બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું. એક દુર્ધટના થઇ હોવા છતાં પણ હાલ હોટેલ મેનેજમેન્ટ દ્વારા કોઇપણ જાતની સેફ્ટીની સુવિૂધાઓમાં વધારો કરવામાં ન આવતા આજે વધુ એક બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.