બે દિવસથી બીમાર દોઢ વર્ષનું બાળક બેભાન થઇ જતાં હોસ્પિટલ ખસેડાયું: તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોક
શહેરમાં વાતાવરણમાં પલટો આવતા રોગચાળાના અનેક કેસ અમે આવી રહ્યા છે. ત્યારે રૈયાધારમાં ઝાડા ઉલ્ટીથી દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. બાળક બેભાન થઇ જતાં તેને હોસ્પિટલ ખસેડાયુ હતું જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયાધાર વિસ્તારમાં સ્લમ ક્વાટરમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ચૌહાણના દોઢ વર્ષના માસૂમ બાળક મિરાજને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જેમાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યું હતું.
આ અંગે પરિવારજનોના જણાવ્યા મુજબ મિરાજને છેલ્લા બે દિવસથી ઝાડા ઉલ્ટી થયા હતાં તેને ફેમિલી ડોકટર પાસેથી દવા પણ કરાવી હતી. તેમ છતાં કોઈ ફેર ન પડતા આજરોજ સવારે બાળક અચાનક બેભાન થઇ ગયું હતું. જેને સિવિલ અર્થે સારવારમાં ખસેડતા ડોકટરે જોઈ તપાસી મૃત જાહેર કરતા માતા – પિતા પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.