લોકડાઉનમાં બધુ થયું ‘લોક’ કેદીઓ થયા ‘અપ’
ર૦ હજાર માસ્ક, પ૯ હજાર સાબુ સહિતની વસ્તુઓ બનાવી
પરિશ્રમી કેદીઓએ અન્ય જેલના લોકોને સલામત ચેપ રહીત રાખવા આપ્યું યોગદાન
વડોદરાની જેલમાં કેદીઓએ લોકડાઉનમાં ર૦ હજાર માસ્ક અને પ૯ હજાર સાબુ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી લોકડાઉનને ઉત્સવ બનાવ્યો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેને પગલે કેદી બંધુઓ ને નવા હુન્નરો અને કૌશલ્યો શીખવા મળે છે, આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણા ની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે.
લોકડાઉનમાં પણ સેન્ટ્રલ જેલમાં અનુકૂળતા પ્રમાણે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી જેના પરિણામે તેની સો જોડાયેલા કેદીઓએ પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી. લોક ડાઉન માં દરજી કામ વિભાગના દશ કેદીઓએ ૨૦ હજાર માસ્ક બનાવ્યા એવી જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલા એ જણાવ્યું કે આ માસ્ક તમામ કેદીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અન્ય કચેરીઓને પૂરાં પાડવામાં આવ્યાં. તે જ રીતે આ સમયગાળામાં અન્ય ૧૦ કેદીઓએ કાર્બોલિક સાબુ, લિકવિડ હેન્ડ વોશ, લીમડાના સાબુ અને ફિનાઇલ નું ઉત્પાદન કર્યું. તેમણે ૫૯ હજાર નંગ સાબુ, ૬૨૫૦ લિટર ફિનાઇલ, ૨૧૦૦ લિટર લીકવિડ હેન્ડ વોશનું ઉત્પાદન કરીને લોક ડાઉન ને જાણે કે પરિશ્રમ નો ઉત્સવ બનાવ્યો. આ સામગ્રી રાજ્યની અન્ય તમામ જેલોને જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવી છે. કોરોના સંકટ સામે બચાવના અસરકારક ઉપાયના રૂપમાં વારંવાર સાબુી હાથ ધોવા અને રહેવાની જગ્યાની ફિનાઇલ ઇત્યાદિ દ્વારા નિયમિત સફાઈની આગવી અગત્યતા છે.તે જોતાં આ પરિશ્રમી કેદીઓએ અન્ય જેલોના લોકોને સલામત અને ચેપ રહિત રાખવામાં યોગદાન આપ્યું છે અને આ મહેનતના બદલામાં એમને ઠરાવેલા દરે મહેનતાણા ની આવક થઇ છે.
જેલમાં કોરોના નો પ્રવેશ અટકાવવા વિવિધ પ્રકારની કાળજી લેવામાં આવી છે એની વિગતો આપતાં જણાવ્યું કે જેલના પ્રવેશ દ્વારે સેનેતાઈઝિંગ ટનલ બનાવવામાં આવી છે. નવા આવતા કેદીનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને તે નેગેટિવ આવે તો જ જેલમાં પ્રવેશ આપવામાં આવે છે. અને આવા કેદીને પ્રથમ કવોરેન્તાઈન વોર્ડમાં રાખવાની તકેદારી લેવાય છે.
જેલવાસીઓની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવે છે જે કેદીઓ જાતે જ બનાવે છે. એમને હોમિયોપેથીક ઔષધોનું સેવન કરાવવામાં આવ્યું છે. વિટામિન સી.ની ગોળીઓ અને લીંબુનું સરબત આપવામાં આવે છે. જેલના પ્રવેશ દ્વારે,ઝડતી રૂમ,ટેલિફોન બુ,કેન્તીન,બેકરી,પ્રેસ,હોસ્પિટલ જેવા તમામ સ્થળોએ લિકવિડ હેન્ડ વોશ રાખવાની સાથે જેલના તમામ યાર્ડ, વહીવટી ઇમારત, જેલ કેમ્પસની નિયમિત સફાઈ કરી સોડિયમ હાઈપો કલોરાઇડનો છંટકાવ કરવાની તકેદારી લેવામાં આવે છે અને તમામ કેદીઓને સાબુ આપવામાં આવ્યાં છે.