- અભ્યાસક્રમ, ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા, વધારાનું પ્રશિક્ષણ, રમત-ગમત અને કલા ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ તેમજ તાલીમાર્થીઓને મળતી મદદ સહિતના મુદે બેંગ્લોરથી આવેલ ગઅઅઈના ત્રણ નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરાયું
પાંચ વર્ષ પહેલા જામનગરના ઓસ્વાલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ બી.એડ્. કોલેજનું સંચાલન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટને રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવ્યું હતું. એકપણ અધ્યાપક વગર આ કોલેજ 2018 જુન થી રાજકોટ ખાતે શરૂ થઈ. ટ્રસ્ટના સંચાલકો ડો ભદ્રાયુ વછરાજાની, મુકેશ દોશી, હરદેવસિંહ જાડેજા, ઇન્દુભાઇ વોરા, જયંતભાઇ દેસાઇ અને કોલેજના આચાર્ય ડો. નિદત્ત બારોટે બંધ થઈ ગયેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ અનુદાનિત બી.એડ્. કોલેજને પુનજીર્વિત કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. પાંચ વર્ષમાં આ કોલેજ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી વિષયના શિક્ષકોને તાલીમ આપતી કોલેજ બની. આ કોલેજમાં હાલ 7 અધ્યાપકો સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની માન્યતા ધરાવતી કોલેજ છે. રાજકોટના હાર્દસમાં કાલાવડ રોડ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના પરિસરમાં કોલેજ કાર્યરત છે.
કોલેજની શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તાનું ગ્રેડેશન કરતી ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા ગઅઅઈ દ્વારા હાલમાં કજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અભ્યાસક્રમ, ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા, સમાજ ઉપયોગી કાર્યક્રમો, વધારાનું પ્રશિક્ષણ આપતા મુદ્દાઓ, રમત ગમત અને કલા ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને મળતી મદદ, અને સંસ્થાને મળતુ નેતૃત્વ જેવા મુદ્દાઓને ધ્યાને રાખી સતત બે દિવસ સુધી ગઅઅઈ બેંગ્લોરથી આવેલા ત્રણ નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતોએ પોતાનો અહેવાલ ગઅઅઈ બેંગ્લોરને સોંપ્યો હતો. આ અહેવાલ ને આધારે ગઅઅઈ બેંગ્લોર દ્વારા નિષ્ણાતોની સમિતિ સમક્ષ પરિણામ માટે મુકાયો. આજે મળેલી નિષ્ણાતોની કમિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ બી.એડ્. કોલેજ રાજકોટને ઇ++ ગ્રેડ આપ્યો હતો. સંસ્થાને 4 માંથી 2.86 માર્ક મળ્યા છે. નિષ્ણાતોની કમિટીએ મૂલ્યાંકન કરતા નોંધ્યું હતું કે કોલેજનું નેતૃત્વ પ્રોફેશનલી નિષ્ણાત આચાર્ય દ્રારા પૂરું પાડવામાં આવે છે. સંચાલક મંડળ એટલે કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. નિષ્ણાતોએ કોલેજને પ્રીમિયર કોલેજ ગણાવી હતી. સંસ્થામાં અપાતાં ટેકનોલોજી બેઇઝ્ડ વ્યવસ્થાના વખાણ કર્યા હતા.
ઈન્સ્ટિટયુટ લેગ્વેંજ ટીચિંગ સૌરાષ્ટ્રની એક માત્ર ગઅઅઈ એક્રિડીટેટેડ સંસ્થા બની
માત્ર પાંચ વર્ષના સમયમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતી સૌરાષ્ટ્રની એક માત્ર અંગ્રેજી શિક્ષક તૈયાર કરતી ગઅઅઈ એક્રિડીટેટેડ સંસ્થા બની છે. સંસ્થામાં આચાર્ય તરીકે ડો. નિદત્ત બારોટ, અધ્યાપક તરીકે ડો. નેહલ શિંગાળા, દીપિકા પટેલ, જ્યોતિ તડવી, ડો. સ્મિતા ગઢવી, ડો. હિમાંશુ આચાર્ય, ડો. તરન્નુમ બુખારી અને ડો. દક્ષા ડાંગર કાર્યરત છે. વહિવટી કર્મચારીમાં ઝંખના આશર છે જ્યારે સમગ્ર કોલેજને ટ્રસ્ટ વતી ડો ભદ્રાયુ વછરાજાની, શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી અને કોગ્રેસના અગ્રણી હરદેવસિંહ જાડેજા નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.