• સામુહિક ઈન્ટ્રોગેશન કાર્યક્રમમાં ચીલઝડપ, હત્યાની કોશિશ, લૂંટ અને ધાડના મળી  385 શખ્સોને અપાયું માર્ગદર્શન

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાટર શિણાય ખાતે આરોપીઓના ઈન્ટ્રોગેશનનું આયોજન કરવામાં આવ્યુ. આજરોજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પોલીસવડા સાગર બાગમારની અધ્યક્ષતામાં લૂટ,ધાડ,ચીલ ઝડપ,ખૂનની કોશિશના આરોપીઓનુ ઈન્ટ્રોગેશન કરવામાં આવ્યું.

જેમાં પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકે નોધાયેલા હત્યાનો પ્રયાસ, લુંટ, ધાડ, ચીલઝડપ તથા ચોરીના ગુનામાં જામીન મુક્ત કરાયેલા આરોપીઓ તેમજ હિસ્ટ્રીશીટરો વાળા ઈસમોને હાજર રાખી હાલની પ્રવૃત્તિ બાબતે જાણી હતી.

આ વેળાએ તમામ આરોપીઓના રેકર્ડ પોલીસ મથકોમાં હાથ પર રહે તે હેતુથી ડોઝિયર્સ ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. આ સામૂહિક ઇન્ટ્રોગેશનના કાર્યક્રમમાં ચીલઝડપના 170, હત્યાની કોશિશના 193, લૂંટ, ધાડના 22 એમ કુલ 385 આરોપીઓ હાજર રહ્યા હતાં.

પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો હંમેશા પોલીસની નજરમાં હોય છે. તેમજ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પોલીસ દ્વારા અવારનવાર ચેક કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભુતકાળમાં જે કાઈ ભૂલો થઈ હોય તે ભુલીને હવેથી ભવિષ્યમાં ફરીવાર કોઈપણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ ન કરવાનું જણાવી તમામ આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દુર રહેવા સમજણ આપી હતી. આ ઉપરાંત એલસીબી પીઆઇ એન.એમ ચુડાસમા એ પણ આરોપીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપનાથી જે ભૂલ થઈ તે ભૂલ પરિવારમાંથી કે આજુબાજુ કોઈ ના કરે તે આપને સમજાવવાનું છે કારણ કે ગુનાહિત ઇતિહાસ ધરાવનારને પોલીસ દ્વારા એનઓસી આપવામાં નહીં આવે અને તેના કારણે સરકારી કંપનીમાં કે જે તે સારી કંપનીમાં જોબ મેળવવી મુશ્કેલ હોવાનું જણાવી સમજણ આપી હતી. આજના આ આયોજનમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સાથે અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડા, પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકા તથા પૂર્વ કચ્છના સર્વે પીઆઇ,પીએસઆઇ અને અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.